ગાંધીજીની સ્વચ્છતાની વિચારધારાએ દેશમાં આંદોલનનું સ્વરૂપ પકડયું છે મુખ્યમંત્રી


સત્ય અને અહિંસાના આગ્રહી ગાંધીજીના વિચારોને કારણે અંગ્રેજોને આ દેશ છોડવો પડયો હતો, આ ઉપરાંત પૂ. ગાંધીજીએ સ્વચ્છતાના આગ્રહી હતા. ગાંધીજીના વિચારોને તાદ્રશ્ય કરવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો અને આજે સ્વચ્છતા એક આંદોલન બની ગયું છે તેમ આજે ગાંધી જયંતીની ઉજવણીના પ્રસંગમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવેલ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે સત્ય એ જ ઇશ્ર્વર છે. ગાંધીજીના વિચારોને કારણે તેમનું જીવન સફળ બન્યું અને દેશ ગુલામીમાંથી મુકત થયો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગાંધી જયંતી અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં આયોજીત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. તેમની સાથે મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ રામભાઇ મોકરીયા, રમેશભાઇ ધડુક, જાણીતા ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા, ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા, ન.પા.ના સરજુભાઇ કારીયા, મંજુબેન કારાવદરા સહિતના મહાનુભાવો મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું તથા કીર્તિ મંદિરની વેબસાઇટનું લોન્ચીંગ કરેલ હતું. આ પ્રસંગે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં ગાંધીજીના પ્રિય ભજનોની પ્રસ્તુતિ કરાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ ગાંધીજીએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે અશોક શર્મા લિખિત ‘મોહન સે મોહન’ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કરેલ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કીર્તિ મંદિરની મુલાકાત લઇને પૂ. બાપુને ભાવસભર અંજલી આપી અને કૃતજ્ઞતા વ્યકત કરી હતી. આ પ્રસંગે જીલ્લાના અગ્રણીઓ તેમજ જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ પ્રાર્થના સભામાં જોડાયા હતા અને પૂ. બાપુને ભાવાંજલી આપી હતી.