અદાણી પોર્ટ કાયદાથી ઉપર નથી, ડ્રગ્સ ઉતારવામાં તેની ભૂમિકાની તપાસ જરૂરી

આ ઘટના દેશની સુરક્ષાને સાંકળે છે: આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા મુન્દ્રા પોર્ટ ઉપર અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા બાદ ગુજરાત સહિત આખા દેશમાં ખળભળાટ મચાવનાર આ ઘટનામાં હવે કોર્ટ આકરું વલણ અપનાવી રહી છે. ભૂજની એનડીપીએસ કોર્ટ દ્વારા સખત શબ્દોમાં ટીપ્પણી કરતાં કહેવાયું કે અદાણી પોર્ટ કાયદાથી ઉપર નથી એટલા માટે ડ્રગ્સ ઉતારવામાં તેની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. ડ્રગ્સ સ્મગલિંગ મામલામાં પોર્ટને કોઈ લાભ મળ્યો છે કે નહીં તેની તપાસ કરવા પણ ડીઆરઆઈને આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ડ્રગ્સ મંગાવનાર દંપતિના રિમાન્ડ માંગવામાં આવતાં કોર્ટે કહ્યું કે પોર્ટ પાસેથી શું માહિતી મળી છે ? આ પછી ડીઆરઆઈએ કહ્યું હતું કે પોર્ટનું નિવેદન લેવામાં આવતાં તેના દ્વારા કહેવાયું છે કે તેઓ કાયદાકીય સલાહ લઈ રહ્યા છે. આ સાંભળી કોર્ટે સખત શબ્દોમાં કહ્યું કે કાયદાકીય સલાહ શેની ? શું તે કાયદાથી ઉપર છે ? આ ઘટના દેશની સુરક્ષા સાથે જોડાયેલી છે. આ પહેલાં ડ્રગ્સ મંગાવનાર દંપતિ સુધાકર અને વૈશાલીના 10 દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેને પાલારા જેલમાં મોકલાયા છે. ગઈકાલે ભૂજ સ્થિત એનડીપીએસની વિશેષ કોર્ટમાં હેરોઈન ડ્રગ્સ મળી તે ક્ધટેનરને આયાત કરનાર દંપતિના અપાયેલા રિમાન્ડ પૂરા થતાં ડીઆરઆઈ દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરી પોર્ટની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી આવ્યું છે ત્યારે શું તેને પકડવા માટેની કોઈ તૈયારી કરવામાં આવી છે ? શું અફઘાનો ભારતીય દૂતાવાસ થકી સંપર્ક કરવામાં આવ્યો છે ? ડ્રગ્સનો આ જથ્થો મુંદ્રા પોર્ટ ઉપર જ કેમ આવ્યો ? શું ડ્રગ્સ ઉતારવાથી પોર્ટને કોઈ ફાયદો થયો હતો ? આ સહિતના પ્રશ્ર્ને ડીઆરઆઈને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે.