ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને ૨ લાખ સુધી ૧૫ ટકા સબસિડાઈઝડ લોન મળશે
ભુજ, મંગળવાર
ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને ૨ લાખ સુધી ૧૫% સબસિડાઈઝડ લોન મળશે.ઔદ્યોગિક ક્ષેત્રે આગળ આવવા ઇચ્છતી મહિલાઓ માટે ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા રૂ. ૨ લાખ સુધીની સબસિડાઇઝડ લોન મળવાપાત્ર છે, જે મેળવવા માટે મહિલાઓને અનુરોધ કરવામાં આવે છે. પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરિયાત મુજબની સહાય પુરી પાડવા માટે મહિલા સ્વાવલંબન યોજના અન્વયે એન્જીનીયરીંગ, કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન, ટેકસટાઇલ, પેપર પ્રિન્ટીંગ, સ્ટેશનરી, પ્લાસ્ટિક, ખેતપેદાશ આધારિત ઉદ્યોગ, ગૃહ અને હસ્તકલા, ડેરી, ગ્લાસ અને સીરામિક, ચર્મ, ઇલેકટ્રિક વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં મહિલાઓને પગભર કરવા માટે મહત્તમ રૂ. ૨ લાખ સુધીની લોન પર ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રોજેકટ કોર્સના ૧૫ ટકા પ્રમાણે વધુમાં વધુ રૂ. ૩૦ હજારની સબસિડી આ યોજના અન્વયે આપવામાં આવે છે.કાચો માલ, ફર્નિચર અને મશીનરીની ખરીદી માટે તથા અન્ય ૩૦૭ વ્યવસાયો માટે પણ આ લોન આપવામાં આવે છે. ૧૮ થી ૫૦ વર્ષની વયની ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ ની અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ ની આવક મર્યાદા ધરાવતી બહેનોને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માંગતી બહેનોએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૦૮, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ ફોન નં – ૦૨૮૩૨-૨૩૦૦૧૦ નો જરૂરી આધાર પુરાવા સાથે સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની બેન દવે દ્વારા જણાવાયું છે.