ભુજમાં કેમ્પ વિસ્તારના ખંડેર લાલ બંગલામાં 25 દિવસ પૂર્વે ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો
copy image

ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં આવેલા ખંડેર બની ગયેલા અને ભૂત બંગલા તરીકે ઓળખાતા લાલ બંગલામાંથી 25 દિવસ પૂર્વે ગુમ થયેલા યુવકનો કહોવાયલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર ફેલાઈ છે. કેમ્પ વિસ્તારના અવાવરું બની ગયેલા લાલ બંગલામાંથી શુક્રવારે સાંજે ભારે દુર્ગંધ ફેલાતાં આસપાસથી પસાર થતા લોકોએ તપાસ કરતાં લાલ બંગલામાં દિવાલની સ્લેબના ભાગ નીચે દબાયેલી હાલતમાં યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસ સ્ટાફ સ્થળ પર ધસી આવ્યો હતો. હતભાગી મૃતકના બુટ પરથી તેના પરિવારજનોએ યુવકને ઓળખી બતાવ્યો હતો. કેમ્પ વિસ્તારમાં પોતાના કાકાના ઘરે રહેતા કાદર ઇબ્રાહિમ ખલીફા (ઉ.વ.23) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હતભાગી કાદર ગત 14મી સપ્ટેમ્બરના બપોર બાદ ગુમ થઇ ગયો હતો. 19મી સપ્ટેમ્બરના તેમના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી. હતભાગી યુવાનનું મોત કયા કારણોથી થયું તે જાણવા પોસ્ટમોર્ટમ માટે જામનગર એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભેદી સંજોગોમાં યુવકનો મૃતદેહ મળી આવતાં તેના પરિવારજનોએ યુવાનની હત્યા કરાઇ હોવાની શંકા દર્શાવી હતી. બે વર્ષ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસ નોંધનીય છે કે,પોલીસ વિભાગમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉમર ઇસ્માઇલ નોડે ગળે ફાંસો ખાઇને આ ’ભૂત બંગલામાં’ આપઘાત કરી લીધો હતો.