રાપરની નાની રવમાં ઘરમાં ધોળા દિવસે 70 હજાર રોકડા અને ઘરેણાં સહિત કુલ 4.75 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા

ભુજ તા.૧૧
કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના નાની રવ ગામે વાડીએ ગયેલાં ખેડૂતના ઘરનું તાળું તોડી તસ્કરોએ 70 હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ 4.75 લાખની મુદ્દામાલની ચોરી કરી જતાં કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉભા થયો છે. મેરાણીવાસમાં રહેતાં પદમાભાઈ લખમણ મેરા (પટેલ)એ રાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં લખાવ્યા અનુસાર, શુક્રવારે સવારે તેઓ ઘરને તાળું મારી પત્ની તેમજ બે દીકરીઓ સાથે ત્રંબૌ ગામની સીમની વાડીએ ગયાં હતા. બપોરે દોઢ વાગ્યે ઘરે પરત ફર્યાં ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. તસ્કરો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ભીંતકબાટનું ઈન્ટરલોક તોડીને તેમાં પડેલો 2.20 લાખની કિંમતનો 45.400 ગ્રામનો સોનાનો સેટ અને બુટ્ટી,60 હજારની કિંમતનું દોઢ તોલાનું નાકનું દાણિયું, 2 તોલાની 40 હજારની કિંમતની સોનાની ત્રણ વીંટી,65 હજારની બે તોલાની સોનાની કંઠી 70 હજાર રોકડા વગેરે મળી પોણા પાંચ લાખની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયાં હતા. રાપર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.