ફરિયાદ ઓનલાઈન નહીં ચડાવાતાં ખડીરના બે પોલીસકર્મી સસ્પેન્ડ

ગાંધીધામ, તા. 18
પૂર્વ કચ્છના છેવાડાના ખડીર પોલીસ મથકના ફોજદાર તથા પોલીસ સ્ટેશન ઓફિસર (પી.એસ.ઓ.)ને પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ખડીર પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.બી. ઝીબા અને પી.એસ.ઓ. મહિપાલસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા હતા. થોડા દિવસ અગાઉ ખડીર પોલીસ મથકે એક ગુનો નોંધાયો હતો. પોલીસ મથકે નોંધાતી ફરિયાદને સરકારી પોર્ટલ ઉપર 12 કલાકમાં ઓનલાઈન ચડાવવાની હોય છે. ખડીર (ગઢડા) પોલીસ મથકે નોંધાયેલી આ ફરિયાદ 72 કલાક થયા છતાં ઓનલાઈન થઈ નહોતી, જેથી પોલીસવડા મયૂર પાટિલે આ અંગે પૂછાણું લીધું હતું અને બાદમાં પી.એસ.આઈ. તથા પી.એસ.ઓ.ને સસ્પેન્ડ કરાયા હતા. ફોજદાર એમ.બી. ઝીબાની હેડકવાર્ટર ખાતે બદલી કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસવડા મયૂર પાટિલનો સંપર્ક કરતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું. પોલીસવડાના આવા કડક પગલાંથી પોલીસ બેડામાં ફફડાટની સાથે સોપો પડી ગયો હતો.