કચ્છમાં મારામારીના બે બનાવમાં બે ઘાયલ ખંભરામાં વાહનોમાં તોડફોડ

ગાંધીધામ, તા. 18 :

પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મારામારીના બે અને વાહનોમાં તોડફોડનો એક બનાવ બન્યો હતો. ભુજના લાખોંદમાં દુકાન આગળ ઓટલો બનાવવા મુદ્દે પાંચ શખ્સે એક યુવાન ઉપર હુમલો કર્યો હતો. બીજીબાજુ ગાંધીધામના પુત્ર અને માતાએ માર મારતાં એક યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી તેમજ અંજારના ખંભરામાં ત્રણ શખ્સોએ યુવાનના ઘરમાં ઘૂસી વાહનોમાં તોડફોડ કરી હતી. લાખોંદમાં રહેતા અશોક સામત બરાડિયા (આહીર)એ ગામના જ ભરત વિરમ હેઠવાડિયા, સામજી ધનજી બરાડિયા, લાલજી સામજી બરાડિયા, હીરજી વાલજી બરાડિયા અને જખુ હધા હેઠવાડિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીએ જખુ હેઠવાડિયાને ફોન કરી દાદાના મંદિરે જવાના રસ્તે તમારી દુકાન આગળ ઓટલો બનાવશો તો મંદિરે વાહનો જશે નહીં જેથી આ જખુએ ઓટલો ન બનાવવાની વાત કરી હતી. બાદમાં ફરિયાદીના ફઇના દીકરા શંભુ વાલજી બરાડિયાએ ફરિયાદી યુવાનને ફોન કરી આ જખુ અને હીરજી બરાડિયાએ ઓટલા બનાવી નાખ્યા હોવાની વાત કરી હતી, જેથી ફરિયાદીએ જખુને ફોન કરી રાત્રે દાદાના ચોકમાં મળવા વાત કરી હતી. આ ફરિયાદી રાત્રે ચોકમાં હતો ત્યારે પાંચ આરોપી ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ ફરિયાદીને પથ્થર વડે માર માર્યો હતો તથા એક શખ્સે છાતીમાં બચકું ભરી લીધું હતું. મારામારીના આ બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક મારામારીનો બનાવ ગાંધીધામ મહેશ્વર નગર ઝૂંપડપટ્ટીમાં બ્લોકના કારખાના સામે બન્યો હતો. દીપક મહેશ્વરી નામના શખ્સે ફરિયાદી જબરસિંઘ જાવેદ સખબાર સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં લાકડાંનો ધોકો ઉપાડી તેના પગમાં મારતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. આ દીપક મહેશ્વરીની માએ પણ ફરિયાદીને માર માર્યો હતો. મારામારીનો આ બનાવ કેવા કારણોસર બન્યો હતો તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અન્ય એક ડખો અંજાર તાલુકાના ખંભરા ગામમાં મસ્જિદની બાજુમાં કુંભાર ચોકમાં બન્યો હતો. ફરિયાદી ઓસમાણ હુશેન કુંભાર (મુસ્લિમ) નામનો યુવાન ગામના સરપંચની જમીનના સમાધાનમાં સિનુગ્રા ગામે ગયો હતો. આ ફરિયાદી બાપુની દરગાહ પાસે બેઠેલો હતો ત્યારે આરોપી રજાક ઉર્ફે સાહિલ શાબાન જત ત્યાં આવી તું અહીં શા માટે આવ્યો છે તેમ કહી ગાળાગાળી કરી હતી. પરિણામે આ યુવાન એવો ફરિયાદી અંજાર પોતાના કામેથી નીકળી ગયો હતો. બાદમાં આ રજાક ઉર્ફે સાહિલ, રફીક દાઉદ જત, હનીફ દાઉદ જત ફરિયાદીના ઘરે જઇ આંગણામાં રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી અને ઓસમાણને કહી દેજે હવે સામે મળશે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આ ત્રણેય નાસી ગયા હતા. પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.