ગઢશીશામાં ઘરફોડ ચોરી કરનારો ઘોડાલખનો યુવાન કાયદાના સકંજામાં

ગઢશીશા (તા.માંડવી),
આ ગામે ઉમિયાનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસનો તાગ ખોળી કાઢવા સાથે અત્રેની પોલીસે તાલુકાના ઘોડાલખ ગામના હરેશભારથી ઉર્ફે હરિભારથી ચનુભારથી ગોસ્વામી નામના 30 વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી રૂા. 65 હજારના ચોરાઉ દાગીના કબ્જે કરાયા હતા.નવરાત્રિ દરમ્યાન ઘરફોડ ચોરીનો આ કિસ્સો બન્યો હતો. કેસની ચાલી રહેલી તપાસ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ નવીન પટેલને મળેલી બાતમીના આધારે કાર્યકારી ઇન્સ્પેકટર વી.એચ. ઝાલાની આગેવાની તળેની પોલીસ ટુકડીએ કડીબઘ્ધ પગલાં લઇને આરોપી હરેશભારથી ઉર્ફે હરિભારથી ગોસ્વામીને ગઢશીશામાં શકિતનગર ખાતેથી પકડી પાડયો હતો.પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી પાસેથી સોનાની પાંચ વીંટી, સોનાની ચેઇન, સોનાનું પેન્ડલ, કાનની બુટીઓ વગેરે મળી રૂા. 65 હજારની કિંમતના ચોરાઉ દાગીના હસ્તગત કરાયા હતા. તહોમતદારનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરાઇ હતી. આ ગુનાશોધન કાર્યવાહીમાં સ્ટાફના ભરત ચૌધરી, કલ્પેશ ચૌધરી, પ્રદ્યુમનાસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. ‘