કચ્છમાં એકાએક નવા દર્દી: જમ્મુથી પરત આવેલ જવાન પોઝીટીવ

એકતરફ ચીન,બ્રિટન,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ફરી પોતાની રફ્તાર તેજ કરી છે,અને ભારતમાં પણ તહેવારો વચ્ચે કોરોના સંક્રમણમાં આંશિક વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોના મુક્ત બનેલા રણપ્રદેશ કચ્છમાં ફરી ગાંધીધામ શહેરમાં અન્ય વિસ્તારમાંથી પરત આવેલા લોકો કોવીડ સંક્રમિત બની રહ્યા છે. ટુંકા સમય ગાળામાં બે કેસ નોંધાયા બાદ એક ભારતીય સેનાનો એક જવાન અને દર્શનાર્થે ગયેલી મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંધીધામ સંકુલમાં લાંબા સમયથી કોરોનાનો પગ પેસારો ન હોઇ આરોગ્ય વિભાગ સહિત તંત્રએ રાહતનો દમ લીધો હતો પણ તાજેતરમાં બે કેસ નોંધાયા હતા,જે હાલ નેગેટિવ થઇ ગયા હોવાના સંકેત મળી રહ્યા છે.પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા અને કચ્છ આવેલા સૈન્યના જવાનને કોવીડના લક્ષણો જણાતાં તેમણે તબીબી પરીક્ષણ કરાવતાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ,એક ધાર્મિક સ્થળ પર ગયેલી 55 વર્ષની મહિલાને પણ લક્ષણ જણાતાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાંપોઝિટિવ આવતાં અને તેમની તબિયત થોડી નરમ લાગતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ કચ્છના આરોગ્ય વિભાગે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસીંગ શરૂ કર્યું છે.