અંજારના વરસામેડી ગામ પાસે ટ્રકે ટક્કર મારતાં સાપેડા ગામના પિતા-પુત્રનું મોત

પૂર્વ કચ્છના અંજાર પાસેના વરસામેડી પાસે ગત સાંજે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈક પર જઈ રહેલા સાપેડા ગામના પિતા અને તેના 17 વર્ષીય દત્તક પુત્રનું ટ્રકની હડફેટે આવી જવાથી કરુંણ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઈ ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગઇ કાલે સાંજના 7.30 વાગ્યાના અરસા બાદ સાપેડા ગામના આંબાલાલ અરજણભાઈ ચાવડા અને તેમના દત્તક લીધેલા પુત્ર ઉત્તમ ચાવડાન બાઇક લઇને ઘર તરફ જઇ રહ્યાં હતાં ત્યારે વરસામેડી ગામની ગુજરાત કોલોની પાસે ટ્રક નં. (GJ-12-Y-9702)ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી હંકારી બાઇકને ટક્કર મારતાં પિતા આંબાલાલભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઉત્તમનું સારવાર માટે ખસેડાતી વેળાએ માર્ગમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે આહીર સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અંજાર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.