માનવતા દાખવી અન્ય કર્મયોગીઓ માટે પ્રેરણારૂપ બન્યાં અંજાર મામલતદાર એ.બી મંડોરી



ગુજરાત સરકાર ગરીબોની બેલી બની લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સેવા સેતુ તેમજ ગુડ ગવર્નન્સ હેઠળ લોકોના ઘર સુધી પહોંચી છે અને વંચિત તેમજ પછાત લોકો કોઈ સુવિધા વિહોણા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખે છે તેનું જીવંત ઉદાહરણ બન્યું છે કચ્છનું વહીવટીતંત્ર અને કચ્છના કર્મયોગીઓ. કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટીતંત્ર કર્મનિષ્ઠ બની લોકોની સમસ્યાઓ કેમ વહેલી તકે નિવારી શકાય તે માટે હંમેશા પ્રયત્નશીલ છે ત્યારે કામગીરીમાં કર્મનિષ્ઠતા તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન થકી ગુજરાતના તમામ કર્મયોગીઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે અંજાર મામલતદાર એ.બી મંડોરી. ૨૩મી ઓક્ટોબરે અંજારના છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા ફકીરમામદ શેખને સાંજે હાર્ટ એટેક આવતાં તેમને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગંભીર હાલત સાથે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. હવે સારવાર માટે મા કાર્ડ જ્યારે આપવામાં આવ્યું ત્યારે આધારકાર્ડના નામમાં ભૂલ જણાઈ હતી જેથી તેનો તાત્કાલિક સુધારો થાય તો જ ત્યાં સરકારી સાથે સારવાર શક્ય બને. આ સંજોગોમાં દર્દીના પુત્ર અનવરશા દ્વારા અંજાર મામલતદાર એ.બી મંડોરીનો સંપર્ક કરવામાં આવ્યો. અને રજાના દિવસે પણ મામલતદાર તેમજ આધાર કાર્ડની ટીમ ઓફિસે પહોંચી અને એટલું જ નહીં આધારકાર્ડની કીટ અને મશીનરી લઈને હોસ્પિટલમાં પહોંચ્યા અને આઈસીયુમાં જ મામલતદારના માર્ગદર્શન હેઠળ આધારકાર્ડ ઓપરેટર જયદિપ સોરઠીયા દ્વારા તેમને તાત્કાલિક ધોરણે આધારકાર્ડમાં સુધારો કરી નવું આધારકાર્ડ બનાવી આપવામાં આવ્યું અને આધારકાર્ડમાં સુધારો થઇ જતાં તેમને સારવાર મળી અને મધ્યમવર્ગી કુટુંબ પર સારવારના ખર્ચનો કોઈ પણ બોજો ન આવ્યો અત્યારે દર્દી સારવાર બાદ હેમ ખેમ તેમના ઘરે પાછા ફર્યા છે. આમ આ કર્મયોગીએ પોતાની ફરજ તો બખૂબી નિભાવી પણ વહીવટીતંત્રમાં રહેલી માનવતાની પણ અનુભૂતિ કરાવી. કર્મયોગી મામલતદાર એ.બી મંડોરી જણાવે છે કે કોઈ જરૂરિયાતમંદની સેવા એ કોઈ ઉપકાર નથી પરંતુ અમારી ફરજ છે. આ ઘટના મારી નહીં પરંતુ કચ્છ વહીવટીતંત્રની કર્મનિષ્ઠાનું પ્રમાણ છે. ગરીબોની બેલી સરકારમાં લોકોની સેવા કરવાનો લ્હાવો મળે એ અમારું સદભાગ્ય છે. વધુમાં તેઓ જણાવે છે કે આપણા શિક્ષણ અને સંસ્કારને શોભનીય કામગીરી કરતા રહીએ તો આપણી નોંધ અવશ્ય લેવાય જ છે. આધારકાર્ડ ઓપરેટર જયદિપ સોરઠીયાએ જણાવ્યું હતું કે, મામલતદારના માર્ગદર્શન હેઠળ આવું સેવાનું કામ કરવાનો હું નિમિત્ત બન્યો તેની મને ખુશી છે. અણીના સમયે મદદ આવનાર વહીવટીતંત્ર તેમજ મામલતદારનો આભાર વ્યક્ત કરતા દર્દીના પુત્ર અનવરશા જણાવે છે કે, આધારકાર્ડ સુધારા વિના સારવારનો ખર્ચ તેમને પરવડે એમ નહોતો ત્યારે તાત્કાલિક ધોરણે આઈસીયુમાં પહોંચી આધારકાર્ડમાં સુધારો કરી આપ્યો જેથી કોઈપણ ખર્ચના બોજ વિના મારા પિતાની સારવાર શક્ય બની છે. જેથી હું મામલતદાર તેમજ કચ્છ વહીવટી તંત્રનો આભારી છું અગાઉ પણ મામલતદાર દ્વારા બીજી ઓક્ટોબરે એક બાળકના સ્વાસ્થ્ય માટે રાત્રે ૯ વાગ્યે ઓફિસ ખોલીને રેશનકાર્ડમાં નામ ઉમેર્યું હતું જેથી તેને સરકારી સહાયનો લાભ મળી શક્યો આવા તો અનેક ઉદાહરણો છે. આમ આજે ગરીબોની બેલી સરકાર ગુડ ગવર્નન્સ અને સેવા સેતુ થકી લોકોને આંગણે પહોંચીને તેમની સમસ્યાઓ નિવારવા હંમેશા તૈયાર જ છે.