અબડાસાના મુખ્ય મથકે છેલ્લા બે દિવસથી દિવાળીની ઘરાકી શરૂ થઇ ગઇ

હાલે કોરોના મહામારીનું જોર ઘટતાં મંદીના માહોલ અને મચ્છરજન્ય રોગચાળા વચ્ચે પણ લોકો પર્વને હોંશભેર મનાવવા બજારોમાં ખરીદી માટે ઊમટી પડયા છે. અત્યાર સુધી તો બજારમાં મંદીનો માહોલ જ છવાયેલો હતો, પરંતુ દિવાળીને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો હોંશે-હોંશે ખરીદી માટે નલિયાની બજારમાં નીકળી પડયા છે. નલિયા એ તાલુકા માટે વેપાર અને જીવનજરૂરી વસ્તુઓ અને ભૌતિક સુખ, સગવડોના સાધનોની પ્રાપ્તિનું કેન્દ્ર છે. જેથી આખા તાલુકાના લોકો ખરીદી માટે મુખ્યત્વે નલિયામાં જ આવે છે. અબડાસાના આ મુખ્ય મથકે છેલ્લા બે દિવસથી દિવાળીની ઘરાકી શરૂ થઇ ગઇ છે. મોંઘવારી, માંદગી, મંદી વચ્ચે તાલુકા મથકે અમુક સસ્તી ચીજવસ્તુઓની ખરીદીમાં ઉછાળો આવ્યો છે. અલબત્ત સોના-ચાંદી અને ઇલેકટ્રીક ચીજ વસ્તુઓનો ઉપાડ હજુ મર્યાદિત છે. આવનારા દિવસોમાં હજુ ઘરાકી વધશે એવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. દીપોત્સવી નૂતનવર્ષ નિમિત્તે ગામડાથી માંડીને શહેરી વિસ્તારમાં નવા કપડા ધારણ કરવાની પરંપરા રહી છે. કાપડનું સ્થાન મુખ્યત્વે હવે તૈયાર વત્રોએ લીધું છે. આ વ્યવસ્થા સાથે સંકળાયેલા હરેશ દાવડાના જણાવ્યા મુજબ ગત વર્ષે ધંધો પડી ભાંગ્યો હતો. ચાલુ વર્ષે તૈયાર વત્રોના ઉપાડમાં તેજી છે. ખાસ કરીને એરફોર્સના કર્મીઓ, સરકારી નોકરિયાતો મુખ્યત્વે તૈયાર વત્રો જ લેતા હોય છે. કર્મચારીઓના પગાર થઇ જતાં છેલ્લા બે-ત્રણ દિવસથી જોઇએ તેવો વકરો થઇ રહ્યો છે. 70થી 80 ટકા જેટલો તૈયાર વત્રોનો ઉપાડ થઇ રહ્યો છે. રેડીમેઇડ વત્રોનુ એવું છે કે, દિવાળી સુધી પણ તેની ઘરાકી રહે છે. આ વેપારી વેપારથી સંતુષ્ટ છે. કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા નલિયા વેપારી મંડળના પ્રમુખ હકુમતસિંહ એચ. જાડેજાના કહેવા મુજબ કાપડનો ઉપાડ મર્યાદિત રહ્યો છે. સારું વર્ષ હોય તેની ગણતરીએ 60 ટકા જેટલો કાપડનો ઉપાડ રહ્યો છે. હવે વેપાર નહિવત્ છે. કેમ કે, સિલાઇ માટે પણ દરજી સમયસર સીવી ન આપે. કાપડના ભાવમાં માત્ર પાંચથી સાત ટકા જ વધારો થયો છે. તેમ છતાં ઘરાકીમાં તેજી નથી. સિલાઇ કામ સાથે સંકળાયેલા હરેશ જેન્તીલાલ ચૌહાણ કહે છે કે, આમ તો શ્રાદ્ધપક્ષ હોય ત્યારથી જ ઓર્ડર આવી જાય છે, પણ ચાલુ સિઝનમાં છેલ્લા ત્રણ દિવસથી ભરપૂર ઘરાકી જામતાં હવે નવા ઓર્ડરો લેવાનું દરજીઓએ બંધ કર્યું છે. ખેતી વ્યવસાયમાં નવા માલની આવક બજારમાં જોઇએ તેવી ન થતાં નાણાકીય ભીડ લોકોને સતાવી રહી છે. હવે સિલાઇ કામનાં નવા ઓર્ડરો તો આવે છે, પણ દિવાળી પૂર્વે કામ ખેંચી ન શકાય તેવી પરિસ્થિતિ હોવાથી દરજી’ લોકો માટે દિવાળી સિઝન મિશ્રફળ આપનારી બની રહી છે. ફટાકડાનો વ્યવસાય કરતા ચંદ્રસિંહ જાડેજાના કહેવા મુજબ ફટાકડામાં હંમેશાં કરતાં 18 ટકાનો ભાવ વધારો છે. હજી સુધી ઘરાકી જામી નથી. માત્ર 10થી 15 ટકા ઉપાડ છે. ચાલુ વર્ષે ડ્રોન, વેનીલા, ચકરડી, ટાઇગર ટેમ્પલ રન જેવી ઘણી બધી નવી આઇટમો આવી છે. ફટાકડાનો ઉપાડ ધનતેરસ, કાળી ચૌદશના હોય છે જેથી ફટાકડાની ઘરાકી ત્યારે જામશે તેવું તેઓ કહે છે. આમ તો તહેવારો પૂર્વે લોકો ઇલેકટ્રોનિક ચીજ-વસ્તુઓ પણ ખરીદતા હોય છે, પણ આ બધી વસ્તુઓ મોંઘી હોતાં હજી સુધી ઇલેકટ્રોનિક ચીજોનો ઉપાડ નહિવત્ થઇ રહ્યો છે. આ વેપાર સાથે સંકળાયેલા અગ્રણ્ય વિક્રેતા જયેશ ખત્રીના જણાવ્યા મુજબ ફ્રીઝ, એલ.ઇ.ડી., વોશિંગ મશીન, ઘરઘંટી વગેરે ચીજ વસ્તુઓનો હજી સુધી કંઇ ઉપાડ નથી. આ ચીજવસ્તુઓમાં ચાલુ વર્ષે કોઇ ભાવ વધારો થયો નથી, તેમ છતાં તેનો હજી સુધી કોઇ ઉપાડ પણ નથી. છેલ્લા બે-ત્રણ દિવસ દરમ્યાન આવી વસ્તુઓનો ઉપાડ થતાં ઘરાકી જામશે તે માટે વેપારીઓ આશાવાદી છે. મોંઘવારીનો માર ઉપરાંત નહિવત્ ખેત પેદાશ હોવા છતાં મોંઘું-સોંઘું ખરીદી લોકો સપરમા તહેવારોને આવકારવા તત્પર બન્યા છે. તહેવારો નિમિત્તે જીવનજરૂરી ચીજવસ્તુઓમાં ઉપાડમાં પણ વૃદ્ધિ નોંધાઇ છે. નૂતનવર્ષ નિમિત્તે નૂતન વર્ષાભિનંદનના કાર્ડ લખવાની પરંપરા હવે જાણે લુપ્ત થઇ ગઇ હોય તેમ ગ્રીટિંગ કાર્ડ બજારમાંથી અદ્રશ્ય થઇ ગયા છે. તેનું સ્થાન મોબાઇલે લીધું છે.