ગાંધીધામમાં દિવાળીની રોનક દેખાઈ, પણ પ્રશ્નો ઊઠયા

કોરોનાનાં બે વર્ષના ગાળા બાદ લોકોને ઘણી બધી છૂટછાટ મળી છે. ગયા બે વર્ષ દરમ્યાન અહીંની બજારોમાં દિવાળીના પ્રસંગોએ જોઈએ તેવી ભીડ જામતી નહોતી, પરંતુ આ વખતે અહીંની બજારોમાં લોકો ઉમટી પડતાં પગ મૂકવાની જગ્યા મળતી નથી. બજારોમાં એક બાજુ દુકાનદારોનાં દબાણો, તેની આગળ રેંકડીઓ, તેની આગળ પાર્ક થતાં આડેધડ વાહનોનાં કારણે છેલ્લાં એકાદ અઠવાડિયાંથી ખૂબ ટ્રાફિકજામ થાય છે, પરંતુ ક્યાંય પોલીસ ડોકાતી નથી. બીજી બાજુ, ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ પણ ગેરકાયદે ઊભા કરી દેવામાં આવ્યા છે, જે અંગે પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. કોરોનાકાળ બાદ આ પહેલી વખત લોકોને ઘણી બધી છૂટછાટ મળી છે. બજારોમાં, મોલમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. આ બધું કોરોનાને પરત બોલાવવાનાં નોતરાં હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી લોકો પોતાનાં વાહનો લઈને બજારમાં ખરીદી કરવા નીકળી રહ્યા છે, જેનાં કારણે ખૂબ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ઓછામાં પૂરું છકડા અને જીપડા પણ છેક બજારમાં ચાવલા ચોક સુધી લઈ જવામાં આવે છે, જેનાં કારણે આ સમસ્યા બેવડાય છે. જેમ અંજારમાં અમુક માર્ગો ઉપર રિક્ષા, છકડા, ચાર ચક્રીય વાહનો માટે દિવાળીના સમયમાં પ્રતિબંધ લાગુ કરાયો છે, તેમ અહીં શા માટે કરાયો નથી. જો અંજારની પોલીસ લોકો માટે આવું કરી શકતી હોય તો ગાંધીધામ પોલીસ શા માટે કરતી નથી તેવું લોકો પૂછી રહ્યા છે. અહીંની બજારોમાં દુકાનોનાં દબાણ, તેની આગળ રેંકડી, હાથલારીવાળા અને તેની આગળ મોટાં ગાડાં આડેધડ ઊભાં રહેતાં હોવાથી પાછળની લાઈન ચોકઅપ થઈ જતી હોય છે. આ ટ્રાફિક મુદ્દે લોકો વચ્ચે બોલાચાલી, ઝઘડાના બનાવો પણ બન્યા છે. આવી બોલાચાલી કે ઝઘડા મોટું રૂપ ધારણ કરે, પોલીસ તેની રાહ જોઈ રહી છે કે શું ? તેવું જાગૃત લોકો પૂછી રહ્યા છે. માત્ર પ્રસાદી લેવામાં માનતી પોલીસ લોકોની સેવા કરવા ક્યારે આગળ આવશે તે પ્રશ્ન છે. મુખ્ય બજારમાં સવારના ભાગે ટી.આર.બી.ના અમુક સભ્યો જ હાજર રહેતા હોય છે. તેમાંય અમુક તો મોબાઈલમાં પડયા હોય છે, તો અમુક નિષ્ઠાવાન સભ્યો ટ્રાફિક સંભાળતા હોય છે, પરંતુ અહીંના અમુક પૈસાદાર લોકો ટી.આર.બી. જવાનોથી માને તેમ ન હોવાથી સવાર અને સાંજે તથા રાત્રિના ભાગે પણ પોલીસ જવાનોને તૈનાત કરવા જોઈએ તેવી માંગનો સૂર ઊઠયો છે. બીજી બાજુ, ગાંધીધામ-આદિપુરમાં અનેક જગ્યાએ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાના સ્ટોલ ખોલવામાં આવ્યા છે. અનેક જયાએ તો માત્ર તંબુના સ્ટોલ ઊભા કરી દેવાયા છે, જેમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોય છે. આવામાં આગનો કોઈ બનાવ બને અને મોટી જાનહાનિ કે માલહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તે પ્રશ્ન છે. આદિપુરનાં બસ સ્ટેન્ડની આસપાસ ચારથી પાંચ દુકાનો રીતસર જાહેર માર્ગ ઉપર ધમધમી રહી છે. ગાંધીધામના ઝંડા ચોક, ભારત નગર, લીલાશાહ નગર, સપના નગર, ખોડિયાર નગર વગેરે જેવા ગીચ વિસ્તારોમાં પણ ધંધાર્થીઓ મોતનો સામાન લઈને બેઠા છે. દર વર્ષે અમુક પોલીસ આવા ધંધાર્થીઓ પાસે જઈ પોતાનાં ખિસ્સાં ગરમ કરી ગુનો દાખલ કર્યા વગર સબ સલામત હૈનાં પાટિયાં મારી દેવામાં આવશે કે પછી ગેરકાયદેસરના આવા સ્ટોલ હટાવી દેવામાં આવશે તે મોટો પ્રશ્ન છે.