ભુજ શહેરમાં તસ્કરો બેફામ : ધોળા દિવસે મહિલાના સવા લાખનાં દાગીનાંની તસ્કરી

ભુજ શહેરમાં આડિંગો જમાવીને બેઠેલા ચોર-ઉચકાઓ જાણે હટીને માર્ગ દેવા માગતા ન હોય તેમ ફરી એકવાર નગરના સતત ધમધમતા માર્ગ ઉપર માધાપર ગામના રાહદારી મગીબેન કમલેશ રબારીની નજર ચુકવી તેમના રૂ. સવા લાખના દાગીના ધોળા દિવસે તસ્કરી કરી જવાયા હતા. આ બાબતે નોંધાવેલી ફરિયાદ અનુસાર માધાપરમાં નવાવાસ વિસ્તારમાં હાલાઇ નગરમાં રહેતાં મગીબેન રબારી ભુજ આવ્યા બાદ બપોરના અરસા દરમ્યાન વાણિયાવાડ નાકાં બહારના રાજન શોરૂમથી સ્ટેશન રોડ તરફ જતા માર્ગે જઇ રહ્યાં હતાં ત્યારે અજાણી સ્ત્રી તેમના ઘરેણા લઇ ગઇ હતી. મગીબેને પર્સમાં રાખેલા સોનાના કાનના બુટિયા, સેર અને ઘુઘરીવાળી જોડ ઉપરાંત હીરાજડીત વીંટી મળી રૂા. સવા લાખના દાગીના અજ્ઞાત મહિલા નજર ચુકવીને તસ્કરી કરી ગઇ હતી તેવું ફરિયાદમાં નોંધવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગત તા. 7મીના જ્યાં આજે ઘટના બની તેના નજીકના વિસ્તારમાં મહિલાનાં ગળાંમાંથી ચેઇનની ચીલઝડપ થઈ હતી જે કેસ હજુ વણઉકેલ્યો છે. – આઠ બોરનો કેબલ ચોરાયો’, બીજીબાજુ, માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ સ્ટેશન હેઠળના મોટી મઉં ગામના સીમ વિસ્તારમાં પદમપુર પાણી પુરવઠા યોજના આસપાસના આઠ બોર ખાતેથી કુલ 317 મીટર કેબલ તસ્કરી જવાયો હતો. ગઇકાલ રાત્રિના અરસા દરમ્યાન આ ઘટના બની હોવાની ફરિયાદ મોટી મઉં ગામના ભૂપેન્દ્રાસિંહ મેઘરાજજી જાડેજા દ્વારા નોંધવાઈ હતી તેમ અમારા ગઢશીશાના પ્રતિનિધિએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું.