લેર જતા માર્ગે રેલવે ફાટક પાસેથી વાયરનો જથ્થો ચોરી કરી વેચવા ફરતા ઇસમોની કરાઇ અટક

કુકમા ગામેથી લેર જતા માર્ગે રેલવેના ફાટક પાસે ખુલ્લી જગ્યામાં કાળા કલરના કેબલ વાયર ચોરી તેને બાળીને કોપર કાઢી ભુજમાં વેચવાની ફિરાકમાં રહેલા ચાર ઇસમોને એલસીબીએ ઝડપી પાડ્યા છે. 18 કિલો કોપર વાયર અને છોટાહાથી સમેત અડધો લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એક લાલ કલરના છોટાહાથીમાં અમુક વ્યક્તિઓ ચોરી કે છળકપટથી મેળવેલા કોપર વાયરનો જથ્થો લઇ સુરલભીટ મંદિરથી ચાર રસ્તા તરફ આવી રહ્યા છે. એલસીબીએ છોટાહાથી રોકાવી તેમાં બેઠેલા જગદીશ રમેશભાઇ પરમાર, કિસન કાંતિગીરી ગોસ્વામી, સંજય શિવરામ ગોસ્વામી અને નકુલ મહિપતભાઈ કાપડીવાળા પાસે કોપરના વાયરનો જથ્થો મળી આવ્યો હતો.ચારેયને વાયરના જથ્થા અંગે પૂછપરછ કરતા કહ્યું કે, પાંચેક દિવસ પહેલા તાહિર અને હસીના ના કહેવાથી કુકમા ગામેથી લેર જતા માર્ગે રેલવેના પાટા નજીક ખુલ્લી જગ્યામાં કેબલ વાયર પડ્યા હતા, જે લઈને બાળી નાખતા અંદરથી કોપરનો જથ્થો નીકળ્યો હતો. એલસીબીએ 18 કિલો કોપર જેની કિંમત 8,100, 3 મોબાઇલ કિંમત 4,000 અને છોટા હાથીની કિંમત 40,000 મળી 52,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચારેયની ધરપકડ કરી મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.