શેરબજારમાં મૂડીરોકાણ કરાવી મોટા નફાની લાલચ આપી શખ્સએ 7 લાખની છેતરપિંડી કરી

શેરબજારમાં મૂડીરોકાણ કરવાથી ત્રણ-ચારગણો નફો મળવાની લાલચ આપીને શખ્સએ કુબેરનગરના યુવકને રૂ.સાત લાખનું રોકાણ કરાવી નફો કે મૂડી પરત નહીં આપીને ઠગાઇ કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઇ છે.કુબેરનગરના હરિઓમ પાર્કમાં રહેતા અનિલ હીરાલાલ મંગલાણી પર ગત જૂન મહિનામાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતે શેરબજારમાં કામ કરતો હોવાની ઓળખ આપી અનિલને શેરબજારમાં રોકાણ કરવાથી મૂળ રકમ પર ત્રણ-ચાર ગણો નફો મળે તેવી સ્કીમ સમજાવીને રોકાણ કરવાની લાલચ આપી હતી.અનિલભાઈ તેની વાતોમાં આવી જઈને શેરબજારમાં રોકાણ કરવા તૈયાર થઈ ગયા હતા. જેથી શખ્સએ શરૂઆતમાં તેમની પાસે રોકાણ કરાવી સારો એવો નફો પણ બતાવ્યો હતો. જેને લઈને તેઓ વધુ રોકાણ કરવા તૈયાર થયા હતા. જેથી શખ્સએ જુદી જુદી તારીખે તેની પાસેથી રૂ.7,16,5889 ભરાવડાવ્યા હતા. આ પછી શેરમાર્કેટમાં તેમને વધુ નફો દર્શાવ્યો હતો પરંતુ અનિલને નફો આપ્યો ન હતો. આ અંગે અનિલે તેનો સંપર્ક કરતાં શખ્સ કોઈ જવાબ આપતો નહોતો. આખરે નફો કે મૂડી પરત નહીં આપતાં અનિલને છેતરાયાનું જણાતા અંતે તેણે આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.