મોટી ખેડોઈ ગામમાં ઘરની બહાર પાર્ક કરાયેલા રૂા. બે લાખનાં વાહનની ચોરી

અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામમાં ઘરની બહાર પાર્ક કરાયેલ મેક્સ પિકઅપ બોલેરો જીપ કિંમત રૂ.બે લાખની તસ્કરોએ તસ્કરી કરી હતી. આદિપુરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા મોહન ગગુભાઈ ભીલ નામના યુવાને તસ્કરીના આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. રંજકો લે-વેચનું કામ કરનાર આ ફરિયાદીનો ડ્રાઈવર ભરત સાંધા પારાધી મેક્સ પિકઅપ બોલેરો નંબર જીજે 12 એટી 4404 વાળી પોતાના ઘરે લઈ ગયો હતો. આ ડ્રાઈવરે મોટી ખેડોઈ મફતનગરમાં પોતાના ઘરની બહાર આ વાહન ઊભું રાખ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, રાત્રિના અરસામાં તસ્કરીનો આ બનાવ બન્યો હતો. ઘરની બહાર પાર્ક કરાયેલા રૂ. 2 લાખના આ વાહનની નિશાચરોએ તસ્કરી કરી હતી. અંજાર શહેર, તાલુકામાં મંદિર ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, ચીલઝડપ, વાહનચોરીના બનાવોથી લોકોમાં ભય પ્રસર્યો છે.