નાની ખાખરનાં ઘરમાં દરોડો પડાતાં 36 બોટલ દારૂ જપ્ત

નાની ખાખરના એક ઘર પર પોલીસે દરોડા પાડી અંગ્રેજી પ્રકારની ભારતીય બનાવટની 36 બોટલ દારૂની કબ્જે કરી હતી. તો ગાંધીધામમાં પણ એક મકાન પર દરોડો પાડી દારૂની બાટલી નંગ-9 સાથે એક ઈસમને પોલીસે પકડી પાડી કાર્યવાહી આદરી છે. સવારના અરસામાં માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી બાતમીના પગલે નાની ખાખરના વીરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ અમીરતસિંહ જાડેજાના ઘર ઉપર દરોડો પાડતા રોયલ ચેલેન્જની બોટલ નંગ-24 તથા માય પ્રાઇડ પ્રિમિયમ વ્હીસ્કીની બોટલ નંગ-12 એમ કુલ રૂ.16,680 નો દારૂ કબ્જે કર્યો હતો. જ્યારે આ કામનો ઈસમ વીરેન્દ્રસિંહ દરોડા દરમ્યાન હાજર મળ્યો નહોતો. પોલીસ પ્રોહિ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. બીજી તરફ ગાંધીધામના ગણેશનગર મકાનમાં રહેનાર સંજય ઉર્ફે સન્ની મેઘજી લાલન નામનો ઈસમ દારૂ વેંચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ઈસમના કબજામાંથી બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમિયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની 9 બોટલ કિંમત રૂ.7,650નો અંગ્રેજી દારૂ કબ્જે કરાયો હતો. પૂનમ સોસાયટીમાં રહેનારા કાના ડાયા સુંઢા નામના ઇસમો આ સન્નીને પોતાના ઘરે બોલાવી આ માલ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, માલ આપનારા આ ઈસમ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. તેને ઝડપી પાડવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.