ગાંધીધામ અને સામખિયાળીમાં બે દરોડામાં 39 હજારનો દારૂ પકડાયો

પૂર્વ કચ્છમાં સામખિયાળી અને ગાંધીધામમાં પોલીસે રાત્રિન અરસા વચ્ચે બે દરોડા પાડી 39 હજારની કિંમતનો દારૂ પકડી લીધો હતો. આ કાર્યવાહી દરમ્યાન ત્રણ આરોપીઓ પકડાયા હતા. જ્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર સામખિયાળી પોલીસે ભચાઉ સામખિયાળી ધોરીમાર્ગ ઉપર બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન જી.જે. 12  ડી.એમ. 6951 નંબરની સફેદ કલરની કાર પસાર થતાં તેને રોકી હતી. કારની તપાસ કરતાં તેમાંથી અંગ્રેજી પ્રકારના દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે આરોપીઓ હરેશ દીપક હેમનાની પાસેથી પ્લાસ્ટિકની બોટલો અને ક્વાર્ટરિયા સહિત રૂા.36,541ની કિંમતનો દારૂ પકડી લીધો હતો. પોલીસે કાર, વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો હતો. આરોપી જયેશ સોરઠિયા નાસી છૂટ્યો હતો. ગાંધીધામમાં મનાલી ટાવર પાસે બી ડિવિઝન પોલીસે રાત્રિના અરસામાં કાર્યવાહી કરી હતી. આરોપીઓ દેવ ઉર્ફે રોકી દેવજી ભરવાડ અને રાજા માધા ભરવાડ બાઈકમાં દારૂ વેચવા આવ્યા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી ત્રણ બોટલ અને બિયરના 14 ટીન સહિત 2450નો દારૂ જપ્ત કર્યો હતો. ત્રણ મોબાઈલ ફોન, બાઈક પણ જપ્ત કરાયા હતા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.