વિસનગરના 99 મોલમાં ચોરી કરી નાસતો ફરતો શખ્સ પકડાયો

વિસનગરના ખેરાલુ રોડ પર આવેલા મોલ અને દરબાર રોડ પર કિરાણાની દુકાનમાં હાથફેરો કરનાર ટોળકી પૈકીના નાસતા ફરતા વધુ એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. મહેસાણાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા રાજ પટેલના વિસનગરના ખેરાલુ રોડ પર આવેલા 99 માર્ટ નામના મોલમાં રાત્રિના અરસામાં અજાણ્યા શખ્સોએ શટરના નકૂચા તોડી ઘૂસી રૂ.12,708ની મત્તા તસ્કરી કરી ગયા હતા. તે જ રાત્રિના અરસામાં દરબાર રોડ પર ગજાનંદ કિરાણા સ્ટોર્સનાં તાળાં તોડી રૂ.49,950ના મુદ્દામાલની તસ્કરી થઇ હતી. તસ્કરીમાં પોલીસે અગાઉ ગોઠવાના ઠાકોર લક્ષ્મણજી ઉર્ફે લખન અને મેઉના ઠાકોર આકાશ ઉર્ફે અકાને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં ગોઠવાના ઠાકોર દશરથજી રતાજી અને ઠાકોર વિપુલજી દશરથજીના નામ ખુલ્યા હતા. જેમાં વિપુલજી ઠાકોર ફરાર હતો. જેને કુવાસણા પાટિયા પાસેથી પકડી પાડ્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.