ચેખલા ગામેથી દારૂની 273 બોટલો સાથે 1 શખ્સ પકડાયો

સાણંદ તથા આસપાસમાં વિદેશી દારૂનો વેપલો વધ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે આવા સ્થળો અંગે તપાસ કરતા બાતમી આધારે સાણંદના ચેખલા ગામમાં મકાનમાંથી 273 વિદેશી દારૂની બોટલો સાથે 1 ઈસમને પકડી પાડી પોલીસે 2 ઇસમોના વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાણંદ પોલીસને બાતમી મળતી હતી કે સાણંદ તાલુકાના ચેખલા ગામમાં રહેતો બલભદ્રસિંહ ચંદુભા વાઘેલા નામનો યુવક પોતાના ઘરે વિદેશી દારૂનો વેપાર કરે છે અને હાલમાં વિદેશી દારૂનો જથ્થો તેના મકાનમાં પડેલ છે. જેથી પોલીસે ચેખલા ગામના લીમડાવાળા વાસ ખાતે બાતમી વાળા બે માળનું મકાનમાં રાત્રિના અરસામાં દરોડો પાડીને ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની 273 નંગ વિદેશી બોટલો જેની કિંમત 77,940 તેમજ એક મોબાઈલ મળી કુલ કિંમત રૂ.80,940નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી બલભદ્રસિંહ ઉર્ફે બલીયો ચંદુભા વાઘેલાને પકડી પાડ્યો હતો.પોલીસે બલભદ્રસિંહ વાઘેલાની વિદેશી દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતાં કડી તાલુકાનાં કરણનગર ખાતે રહેતો જીતુજી ઠાકોર નામનો શખ્સ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતા સાણંદ પોલીસે બલભદ્રસિંહ ઉર્ફે બલીયો ચંદુભા વાઘેલા અને જીતુજી ઠાકોર વિરુદ્ધમાં પ્રોહી એક્ટ કલમ અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરી છે. હાલ તો જીતુજી ઠાકોર નામનો ઈસમ પલાયન છે. જેને કાયદાના સાણસામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.