આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધકના ઘરમાંથી 1.47 લાખની મતાની તસ્કરી

આણંદ શહેરમાં રોડ ઉપર આવેલી શ્રીજી સાંઈ એપાર્ટમેન્ટ નંદનવન સોસાયટીની બાજુમાં 33 વર્ષીય ધર્મેશભાઈ ઠાકોરભાઈ પ્રજાપતિ રહે છે. તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કોન્ટ્રાકટમાં છેલ્લા સાત વર્ષથી પશુ પોષણ વિભાગમાં સંશોધક તરીકે ફરજ બજાવે છે. ધર્મેશભાઈ તેમના ભાડેથી રહેતા મકાનને તાળાં મારી પરિવાર સાથે નડીયાદ ખાતે રહેતા પિતાજીના ઘરે ગયા હતા. દરમિયાન, તેઓ પરત પોતાના ઘરે આવ્યા. ત્યારે તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા અને ઈન્ટરલોક તૂટેલી હાલતમાં જોતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે ઘરમાં પ્રવેશી તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તસ્કરોએ ઘરમાંનો તમામ માલ-સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. વધુમાં બેડરૂમમાં મૂકેલી લોખંડની તિજોરી અને લાકડાનું કબાટ તોડી નાખ્યું હતું. તેમજ તિજોરીના લોકરમાં મુકેલી રોકડ રકમ રૂપિયા 1.25 લાખ ઉપરાંત ત્રણ સોનાની વિંટી, 4 જોડ ચાંદીના છડા, ચાંદીની ચાર બંગડી મળી કુલ રૂપિયા 1.47 લાખની મત્તાની તસ્કરી કરી હતી. આ મામલે તેમણે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે તસ્કરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ તસ્કરીનું પગેરૂં શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.