સરાયા ગામે બંધ મકાનમાંથી પોણા લાખના દાગીનાની તસ્કરી

ટંકારાના સરાયા ગામે ગામડાનો પરીવાર કામ સબબ ઘર બંધ કરીને બહારગામ જતા તસ્કરો નિરવ શાંતિનો લાભ લઈ ગામડે ત્રાટકી આશરે પોણા લાખના સોના ચાંદીના કિંમતી દાગીના ની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ ભોગ બનેલા ગામડાના આધેડે ટંકારા પોલીસમાં લખાવી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા સરાયા ગામે રહેતા મીઠાલાલ પોપટભાઈ ઢેઢી નામના ખેડુતે ટંકારા પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ તેઓ ગામડેથી પરિવાર સાથે પારિવારિક કામ સબબ ઘર બંધ કરીને અમદાવાદ ગયા હતા. તેમજ કામ નિપટાવી પરત ફરતા બંધ મકાનના મેઈન દરવાજાનુ તાળુ તુટેલુ જોતા અને અજુગતું બન્યાની જાણ થતાં જ ફાળ પડી હતી. તપાસ કરતા મુખ્ય રૂમના તાળાં તોડી તસ્કરો કબાટમાંથી સોનાની રૂદ્રાક્ષની માળા, નાકની ચુંક,ચેન-પેંડલ ઉપરાંત ચાંદીના સાંકળા સહિત કુલ રૂપિયા ૭૨,૦૦૦ નો મુદ્દામાલ નિશાચરો તસ્કરી કરી ગયા હોવાની વિધીવત રાવ નોંધાવતા પોલીસે બનાવની તજવીજ હાથ ધરી છે.