મુંદરામાં ગાંજા સાથે શખ્સની અટકાયત

મુંદરામાંથી બિહારના શખ્સને માદક પદાર્થ ગાંજો 1.785 કિ.ગ્રામ કિં. રૂા. 89,250ના જથ્થા સાથે એસઓજીએ ઝડપી પાડયો છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણ દિવસ પહેલાં ભુજના ગેસ્ટ હાઉસમાંથી બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઇન સાથે પોલીસે ઝડપી પાડયા હતા. ત્યાં ફરી એસઓજીની ટીમ મુંદરામાં પેટ્રાલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી કે, બિહારનો એક શખ્સ ગાંજાના જથ્થા સાથે નવીનાળ-શિરાચા રોડ વચ્ચે આવેલી કોપર કંપનીની સામે આવેલા ખુલ્લાં મેદાનમાં આવવાનો છે. આ ખરી બાતમીનાં આધારે એસઓજીની ટીમે જરૂરી કાર્યવાહી અને પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. બરસાના એસોસીએટ કોલોની તરફ જતા રોડ બાજુથી બાતમીવાળો શખ્સ કોલેજ બેગ સાથે દેખાતાં તેને ઝડપી નામ-ઠામ પૂછતાં પોતાનું નામ જણાવ્યું હતું. આ શખ્સની તલાશી લેતાં તેના થેલામાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 1.785 કિ.ગ્રા. કિં. રૂા. 89,250 અને એક મોબાઇલ કિં. રૂા. 5000 મળ્યા હતા. આ અંગે પૂછતાછ કરતાં આ ગાંજો તેણે તેના ગામમાં રહેનારા પાસેથી એકાદ મહિના પહેલાં રૂા. 9500 રોકડા આપી ખરીદ્યો હોવાનું બતાવ્યું છે. એસઓજીએ બન્ને વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.