ખાવડામાં ઘરમાંથી રૂપિયા 3.18 લાખની તસ્કરી કરનારો નાનાબાંધા ગામનો ઈસમ પકડાયો

ખાવડા ખાતે રાત્રિના અરસામાં રહેણાક મકાનમાંથી પેટ્રોલ પંપના વકરાના રૂપિયા 3,18,800ની તસ્કરી કરી જવાના કેસમાં ખાવડા પોલીસે નાના બાંધા ગામના ઈસમને પકડી લઈ તેના કબજામાંથી ચોરાઉ રૂપિયા પૈકી 2,84,600 ની રકમ જપ્ત કરીને તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. ખાવડા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ખાવડા ગામે રહેતા અને ખાવડા ખાતે પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે નોકરી કરતા અનસભાઇ નૂરમામદભાઇ સુમરાના ઘરમાં ગત રાત્રીના અરસામાં બન્યો હતો. નાના બાંધા ગામે રહેતો આરોપી નજામુદીન ભીલાલ સમા નામનો ઈસમ ફરિયાદીના ઘરેથી પંપના વકરાના રૂપિયા 3,18,800 સાથેનું પાકીટ તસ્કરી કરી લઈ ગયો હતો. દરમિયાન ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ રોહિતભાઇ ભટ્ટના માર્ગ દર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જવાનસિંહ વાઘેલાએ બાતમીના આધારે ઈસમ નજામુદીનને પકડી પાડી પોલીસ મથકે લાવીને યુક્તિ પ્રયુક્તિથી પોલીસ સ્ટાફે પુછતાછ હાથ ધરતાં ઈસમએ તસ્કરીની કબુલાત આપી હતી. આરોપીના કબજામાંથી રૂપિયા 2,84,600 ની રકમ જપ્ત કરીને ખાવડા પોલીસે વધુ પુછતાછ હાથ ધરી છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઇ આર.એન.ભટ્ટ, એએસઆઇ હરેશભાઇ ગઢવી, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કોન્સ્ટેબલ રમેશભાઇ પ્રજાપતિ અને વિજયરાજસિંહ રાઠોડ જોડાયા હતા.