કોલવડામા ચામુંડા માતાજીના મંદિર પાસેથી 7 સાગરીતો પકડાયા

કોલવડા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 7 સાગરીતો પકડાયા હતા. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં પેથાપુર પોલીસે દરોડો પાડી 11 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તજવીજ હાથ ધરી હતી.પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ગામમાં પહોંચતાં બાતમીદાર દ્વારા પોલીસને બાતમી આપવામાં આવી હતી કે, ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેને લઇને પોલીસ તે દિશામાં જતાં કૂંડાળું કરીને બાજી માંડવામાં આવી હતી. પોલીસને જોતાં ભાગવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં રમેશ મંગાજી ઠાકોર, કિશન ભવાનજી ઠાકોર, પોપટ કચરાજી ઠાકોર, શંભુ મણાજી ઠાકોર, પધાજી મોતીજી ઠાકોર, ભીખાજી બાદરજી ઠાકોર અને કરશન ભગાજી ઠાકોર (તમામ રહે, કોલવડા ગામ પગીવાસ)ને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે દાવમા અને અંગઝડતીમાંથી 11,660 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી હતી.