PNB કૌભાંડ મામલે ઈન્ટરપોલે નીરવ મોદી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર કરી

PNB કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડકોર્નર નોટિસ જાહેર કરી છે. સીબીઆઇએ મે મહિનામાં નીરવ મોદી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, પરંતુ ઇન્ટરપોલે અત્યાર સુધી રેડકોર્નર નોટિસ જારી કરી નહોતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેન્ક સાથે જંગી કૌભાંડ કરવાનો આરોપ છે. નીરવ મોદી વિરુદ્ધ જારી કરવામાં આવેલી આ રેડકોર્નર નોટિસમાં ઇન્ટરપોલ દ્વારા તમામ સભ્ય દેશોને ભાગેડુ નીરવ મોદીની તાત્કાલિક ધરપકડ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત સપ્તાહે જ વિદેશ મંત્રાલયના અધિકારીઓએ સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન એવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે ફેબ્રુઆરીમાં પાસપોર્ટ રદ કરવા છતાં નીરવ મોદી એકથી બીજા દેશોમાં કઇ રીતે બેરોકટોક ફરી રહ્યો છે? સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર પાસપોર્ટ રદ કરવાથી ધરપકડ કરી શકાતી નથી. ઘણા દેશો આ માટે ધરપકડ કરવામાં માનતા નથી, પરંતુ જો ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરવામાં આવે તો તમામ દેશો તેને સ્વીકારે છે અને ધરપકડ કરવા તૈયાર થઇ જાય છે. આ સંજોગોમાં હવે નીરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરી દેવામાં આવી છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી રેડકોર્નર નોટિસ કોઇ પણ અપરાધીને પકડવા માટે દુનિયાભરમાં માન્ય પ્રક્રિયા છે. સીબીઆઇએ આ માટે ઇન્ટરપોલને જરૂરી દસ્તાવેજ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. સીબીઆઇએ ઇન્ટરપોલ દ્વારા તમામ ૧૯૦ દેશોને નીરવ મોદીની અટકાયત કરવા માટે સૂચના આપવા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *