ગાંધીધામમાં મહિલા પાસેથી 45 હજારની મતાની ચીલઝડપ

ગાંધીધામ શહેરના જૂના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી અપનાનગર ચાર રસ્તા બાજુ જતા માર્ગ પર એક મહિલા પાસેથી રૂ. 45,000ની મતાની ચીલઝડપ કરી બે ઈસમો નાસી છૂટ્યા હતા. શહેરના વોર્ડ-12 સી લીલાશાહ નગરમાં લીલાશાહ કોમ્પ્લેક્ષમાં રહેતા મયુરીબેન હિરેન અમરચંદ મોરબિયા નામના મહિલાએ આ બનાવ અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદી મહિલા બજારમાં આવ્યા હતા. અહીં બોનાન્ઝા સલુનમાં કામ પતી ગયા પછી આ મહિલા પોતાના મોપેડ વેસ્પા નંબર જી.જે. 12- સી.એન.-4076થી પોતાના ઘરે જઇ રહ્યાં હતાં. તેઓ બજારથી ગાંધી માર્કેટ થઇ અને જૂના એ-ડિવિઝનથી અપનાનગર ચાર રસ્તા બાજુ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન પાછળથી ડીઓ મોપેડમાં અચાનક બે ઇસમો ત્યાં આવી મહિલાના હાથમાંથી પર્સની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ તેમનો પીછો કર્યો હતો. પરંતુ આ ઇસમો હાથમાં આવ્યા ન હોતા. આ પર્સમાં રોકડા રૂ.5,000 તથા રૂ.40,000 નો મોબાઇલ એમ કુલ રૂ.45,000 ની મતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે સીસી ટીવી કેમેરા સહિતની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.