ધોરાજીના ગુરુનાનક મંદિરના તાળાં તોડી ચોરી કરનાર ઈસમની અટક

ધોરાજીના ગુરુનાનક મંદિર ખાતે તાળા તોડી ચલણી નોટો, સિક્કા સહિત ૪૦,૮૬૯ના મુદામાલની તસ્કરી થવા પામી હતી. આ અંગે મંદિરના સેવકોએ જાણ કરતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ તસ્કરીનો ભેદ ઉકેલી લઇ એક ઇસમની અટક કરી તેની પાસેથી તમામ મુદામાલ જપ્ત કર્યો હતો. ધોરાજીના જમનાવડ રોડ ગુરુનાનક મંદિર ખાતે તાળા તોડી તસ્કરીનો બનાવ બનતા ગુરુનાનક મંદિરના સેવકો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ધોરાજી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જમનાવડ રોડ ઉપર સીસીટીવી ચેક કરતા હતા. ત્યારે બાતમી મળી હતી કે ધોરાજી ગેલેકસી ચોક તરફથી જમનાવડ રોડ તરફ એક ઈસમ બાઇક ઉપર પાછળ થેલામાં તાળા તોડવા માટે ગ્લાઇડર મશીન સાથે નીકળ્યો છે.જે અન્વયે પોલીસ જમનાવડ રોડ પર વોચમાં હતા. દરમ્યાન આ ઈસમ નીકળતા તેને રોકીને તપાસ કરી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત આપી હતી કે ગુરૂનાનક મંદિરમાં એક માસમાં ગ્લાઇડર મશીનથી તાળા તોડી ત્રણ વખત તસ્કરી કરી હતી અને દાન પેટીમાં આવેલી આસરે એક લાખ રૂપીયાની તસ્કરી પોતે કરી છે. આથી પોલીસે વિજય હરેશભાઇ પાધરેશા ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.ધોરાજી બહારપુરાને મુદામાલ ચાર્જેબલ ગ્લાઇડર બ્લેડ સાથેનું તેમજ ગ્લાઇન્ડરનું ચાર્જર, બે વધારાની ગ્લાઇડરની બ્લેડ તથા બ્લેડ બદલવાનું પાનું કિંમત રૂ.૫૦૦,જુદાજુદા દરની ચલણી નોટો રૂપીયા ૬૮o તથા જુદા જુદા દરના સિકકાઓ રૂપીયા ૧૮૯૪, ફોન કિંમત રૂ.૧૫,૦૦૦ તથા મોટર સાયકલ મળી કુલ ૪૦,૮૬૯ સાથે પકડી લઈને આગળની તજવીજ હાથ ધરી છે. તસ્કરીનો ભેદ ઉકેલવામાં એચ.એ.જાડેજા ઇ.પો ઇન્સ ,રમેશભાઇ બોદર એ.એસ.આઇ બાપાલાલ ચુડાસમા,પો.કોન્સ અરવીંદસિહ જાડેજા, પો.કોન્સ રવિરાજસિહ વાળા, માણાવદરીયા વિગેરે સ્ટાફ રોકાયો હતો.