જામનગર રોડ સાંઢિયા પુલ નીચે આવેલા અયપ્પા મંદિરમાં તસ્કરી

જામનગર રોડ સાંઢિયા પુલ નીચે આવેલા અયપ્પા મંદિરમાં તસ્કરી થયાની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં મંદિરમાં બિરાજેલા જુદા જુદા ભગવાનની મૂર્તિ પાસે રાખેલી ત્રણ દાનપેટીના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. ત્રણેય દાનપેટીમાંથી અંદાજિત રૂ.60 હજારની રકમ તસ્કરી થઈ હોવાનું પરસાણાનગરમાં રહેતા અને અયપ્પા મંદિરના મહામંત્રી તરીકે સેવા આપતા રમેશભાઇ યુનિક્રિષ્ચ્યનન મેનન નામના વૃદ્ધે પોલીસને જણાવ્યું છે. મહામંત્રીની પૂછપરછમાં મંદિરમાં શરતભાઇ નામના પૂજારી સેવાપૂજા કરે છે. ત્યારે સવારના અરસામાં મંદિરના વહીવટકર્તા ભૂવનૈદ્રન નાયરનો ફોન આવ્યો હતો અને તેમને મંદિરની દાનપેટી તૂટી હોવાની અને તેમા રહેલા રૂપિયાની તસ્કરી થઇ હોવાની જાણ કરી હતી. જેથી પોતે તુરંત મંદિરે દોડી ગયા હતા. પૂજારીની પૂછપરછ કરતા તેઓ રાત્રિના અરસામાં મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી જતા રહ્યા હોવાનું અને સવારના અરસામાં આવતા દાનપેટી તૂટી જોવા મળી હોવાનું કહ્યું હતું. તસ્કરીના બનાવ બાદ મંદિરમાં જુદા જુદા સ્થળે લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઈસમ દીવાલ કૂદીને અંદર આવ્યો હોવાનું, જ્યારે અન્ય સીસીટીવી કેમેરાના તસ્કરે એંગલ ફેરવી નાખેલા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા ઈસમના વર્ણનના આધારે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.