ભાવનગરના દેસાઈનગર વિસ્તાર પાસેથી તસ્કરી થયેલા બાઈક સાથે બે ઇસમોને ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ચિત્રા-દેસાઈનગર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન તસ્કરી થયેલા બાઈક સાથે ફરતાં ઉમરાળાના બે ઇસમોને પકડી પાડ્યા હતા. બંને ઇસમોએ બોરતળાવ મહેલ સામે પાર્ક કરેલી બાઈક ઉઠાવી ફેરવતાં હોવાની કબુલાત આપી હતી. પોલીસે હાલ બન્નેની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગ પર હોય તે દરમિયાન બાતમીદારે માહિતી આપી હતી કે દેસાઈનગર પેટ્રોલપંપ પાસે બે ઇસમો શંકાસ્પદ બાઈક સાથે આંટાફેરા મારે છે જે હકીકત આધારે ટીમે દેસાઈનગર પેટ્રોલપંપ પાસે એચડીએફસી બેંક પાસેથી એક નંબર પ્લેટ વિનાના બાઈક સાથે બે ઇસમોને અટકાવી નામ-સરનામા સાથે બાઈકની આરસી બુક લાઈસન્સ સહિતના દસ્તાવેજ ચકાસણી માટે માંગ્યા હતાં. જેમાં અટક કરેલા ઇસમોએ પોતાના નામ જણાવેલ જેમાં પરેશ અરવિંદ દોદરીયા ઉ.વ.19 ધંધો રત્નકલાકાર તથા જયેશ ભરત કોલાદરા ઉ.વ.20 ધંધો રત્નકલાકાર રે.બંન્ને ગોપાલવાડી રામાપીરના મંદિર પાછળ કોળીવાડ ઉમરાળા વાળા હોવાનું જણાવ્યું હતું. તથા બાઈક અંગે કોઈ આધારભૂત દસ્તાવેજ કે સંતોષકારક જવાબ આપી શક્યાં ન હતાં આથી બંનેની સઘન પુછપરછ કરતાં આજથી એક સપ્તાહ પૂર્વે બોરતળાવ કાંઠે આવેલ મહેલ સામે પાર્કિંગ માથી તસ્કરી કરી ફેરવતાં હોવાની કેફિયત આપતાં એલસીબી એ રૂપિયા 25 હજારની કિંમતના બાઈક સાથે બંને ઇસમોની અટક કરી આરોપી તથા મુદ્દામાલ ડી-ડીવીઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.