સોજીત્રા પોસ્ટ ઓફિસમાંથી 12 હજારની મત્તાની તસ્કરી

આણંદ સોજીત્રા પોસ્ટ ઓફિસમાં પખવાડિયા પહેલા ત્રાટકેલા તસ્કરો આઈસ સ્કેનર, થમ્સ સ્કેનર તથા કેમેરા મળી કુલ રૂ.12 હજારની મત્તા તસ્કરી કરી નાસી છૂટ્યા હતાં. આ અંગે સોજીત્રા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોજીત્રાના પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા લલીતકુમાર વૈદપાલસિંગ જાટે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ રોજ સાંજના અરસામાં ઓફિસ બંધ કરી ઘરે ગયાં હતાં. બાદમાં સવારના અરસામાં ઓફિસ ખોલતા સમયે જાણવા મળ્યું હતું કે, ઓફિસનો દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં હતો. અંદર જઇ જોતા પોસ્ટ ઓફિસમાં ફાઇલો, મેઇન લોકલનો દરવાજો જે તે હાલતમાં હતો.પાછળની બાજુ ટેબલ પર રાખેલા આઈસ સ્કેનર, થમ્સ સ્કેનર તથા કેમેરો કિંમત રૂ.12 હજાર અજાણ્યા ઇસમો તસ્કરી કરી નાસી છૂટ્યા હતાં. આ બાબતે ઉચ્ચ અધિકારીને જાણ કરતાં તેમના દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. બાદમાં આ અંગે સોજીત્રા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.