માખીયાળા ગામમાં આવેલી સમાજની ઓફિસનાં તાળા તોડી સાહિત્યની તસ્કરી

જૂનાગઢ નજીકનાં માખીયાળા ગામે રહેતા ભીખાભાઈ વ્રજલાલ ગજેરાએ લખાવેલી ફરિયાદ મુજબ ભીખાભાઈ કાનાબાપા ગજેરા સમાજનાં પ્રમુખ હોય. બપોરનાં અરસામાં ભીખાભાઈનો પુત્ર હરેશભાઈ જેઓ જૂનાગઢ હોય અને માખીયાળા ગામનાં કોઈ ઈસમ દ્વારા બનાવેલ એક વિડીયો સરદાર પટેલ વોટ્સએપ ગ્રૃપમાં મુક્યો હોય. એ વિડીયો હરેશભાઈએ જોતા કાનાબાપા ટ્રસ્ટની ઓફિસમાં આ ઇસમોએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી ઓફીસમાં મારેલ તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પ્લોટનાં અસલ દસ્તાવેજો-2, નોંધણી ફાઈલ, મિનીટ બૂક, ઠરાવ બૂક, રોજમેળ, વર્ષ વાઈઝ હિસાબનાં ચોપડા, પહોંચબુકો, વાઉસર ફાઈલો, ટ્રસ્ટનાં રાઉન્ડ શીલ-1, પ્રમુખનો સિક્કો વગેરે સાહિત્ય રૂ.4,600ની કિંમતની તસ્કરી કરી ગયા હતા. બપોરના અરસામાં બનાવ બન્યો હોય જેની જાણ થતા ભીખાભાઈ અને બાબુભાઈ ચનાભાઈ ગજેરા તુરંત ટ્રસ્ટની ઓફિસે ગયા હતા. અને મંજૂરી વિના તાળુ તોડી, ઓફિસમાં પ્રવેશ કરનાર સામે ફરિયાદ લખાવી હતી. આ બનાવમાં જયેશ હરીભાઈ ગજેરા, જીજ્ઞેશ કાંતિભાઈ ગજેરા, હરીભાઈ જીવાભાઈ ગજેરા, વિજય ચંદુભાઈ ગજેરા, અનિલ દામજીભાઈ ગજેરા, કારાભાઈ બાબુભાઈ ખાંટ, કમલેશ ધરમશીભાઈ ગજેરા, સૈલેષ બાવનજીભાઈ બુહા, શારદાબેન કાંતિભાઈ ગજેરા, નિતેશભાઈ દેવજીભાઈ ગજેરા, જલ્પાબેન ચંદુભાઈ ગજેરા, મોહન મનજીભાઈ સોંદરવા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.