બોટાદ પોલીસે CCTVની મદદથી બાઇક ચોરનારા 2 ઇસમોને પકડી પાડ્યા

બોટાદ પોલીસે બોટાદમાં વિશ્વાર પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમારાની મદદથી પોલીસે ચોરાયેલ મોટરસાયકલ શોધીને મોટરસાઈકલ તસ્કરી કરનાર બે શખ્સોને પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ પોલીસ મથકમાં સાંજના અરસા દરમિયાન ફરિયાદ કરવામાં આવી હતી કે બાઇક નં. જી.જે. 04 સી.બી. 2823 કિંમત રૂ. 30,000ની કે.જી. સ્પોટ વાળી શેરીમાં ધ્રુવ મેડીકલ પાસેથી કોઈ અજાણ્યો માણસ તસ્કરી કરી લઇ ગયો હોય. ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળી નથી. જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી તમામ હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એ.બી.પરમારના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી જયેશભાઇ ઝવેરભાઇ ચૌહાણ, દિલીપસિંહ પ્રભાતસિંહ સોલંકી, રાજેશભાઇ અંબારામભાઇ કણસાગરા, કૌશિકકુમાર ખોડીદાસભાઇ કાનાણી, તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરો કિશનભાઇ રમેશભાઇ ચૌહાણ, કિરણભાઇ રમેશભાઇ ભોજૈયા, નિલેષભાઇ ચોથાભાઇ ગામીએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી બનાવના સ્થળની આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા 2 થી 3 માણસો શંકાસ્પદ દેખાઈ આવતા તેમાંથી 2 શખ્સો અમિતભાઈ ઉર્ફે કાતરવાળો વિનોદભાઈ બારડ, ધવલભાઈ સવજીભાઈ વાઘેલાને તેમની મુવમેન્ટના આધારે ઝડપી CCTV કમાન્ડ કંટ્રોલ ખાતે લાવી પુછપરછ કરતા આ શખ્સોએ બાઇક રજી. નં. જી.જે. 04 સી.બી. 2823 તસ્કરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. બંને શખ્સોએ બાઇક તસ્કરી કરી હોવાનું સ્વીકારતા બોટાદ પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.