ભુજથી મિરજાપર સુધી પીછો કરીને 72,600ની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો દારૂ અને બિયર પકડી પડાયો

ભુજ, શંકાસ્પદ હાલતમાં જોવા મળેલી અને પોલીસને જોઇને ભગાડી જવાયેલી ઇનોવા જીપકારને ભુજથી મિરજાપર સુધી પીછો કરીને તેમાંથી રૂ.72,600ની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો દારૂ અને બિયર પકડી લીધો હતો. જીપકારનો ચાલક વાહન છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસ દળની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડી સબ ઇન્સ્પેક્ટર આઇ.એચ. હિંગોરા સાથે ભુજમાં આર.ડી. વરસાણી શાળા નજીક વાહન તપાસણી કાર્યમાં હતી. ત્યારે આ શંકાસ્પદ ઇનોવા ભગાડાઇ હતી. પોલીસ ટુકડીએ પીછો કરતાં અંતે નજીકના મિરજાપર ગામે મસ્જિદે રઝાની બાજુમાં ઇનોવા છોડી તેનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇનોવામાંથી દારૂની 168 બાટલી અને બિયરના 96 ટીન જપ્ત કરાયા હતા. આ જથ્થાની કિંમત રૂ.72,600 અંકારવામાં આવી છે. નાસી ગયેલા ચાલક આરોપીનું પગેરું વાહનના નંબરના આધારે દબાવાયું છે. આ ઈસમ હાથમાં આવ્યે વધુ કડીઓ મળવાની સંભાવના જોવાઇ રહી છે.