ભાટ નજીક પાર્કિંગમાં કારનો કાચ તોડી 78 હજારની તસ્કરી

ગાંધીનગર, ભાટ પાસે સ્કાય ફોરેસ્ટ કોમ્પલેક્ષમાં આવેલ હોટેલ ખાતેના પાર્કિંમાં પડેલી કારનો કાચ તોડીને તસ્કરી ઘટના બની હતી. જેમાં પરિવાર હોટેલમાં જમવા માટે આવ્યો હતો. તે સમયે કાચ તોડ ગેંગે કારને નિશાન બનાવીને 78 હજાર ભરેલું પર્સ ચોરી કરી લીધું હતું. મળેલી માહિતી અનુસાર સાબરમતી વિસ્તારમાં રહેતા હર્ષભાઈ કિશોરભાઈ પરીખ રિયલ એસ્ટેટના વેપાર સાથે સંકળાયેલા છે. રાત્રિના અરસામાં તેઓ પત્ની અને સાળા સાથે ભાટ ખાતેની હોટલમાં જવા માટે આવ્યા હતા. ગાડી હોટેલની સામેના પાર્કિંગમાં પાર્ક કરેલ હતી. એકાદ કલાકમાં તેઓ હોટેલમાં બહાર આવ્યા ત્યારે ગાડીની ડાબી બાજુનો કાચ તૂટેલો હતો. તેઓ અંદર ચેક કરતાં પાછળની સીટમાં મુકેલ બ્રાઉન કલરની બેગ ગાયબ હતી. ફરિયાદમાં જણાવાયા અનુસાર કારમાં રહેલી બેગમાં પડેલાં પર્સમાં હર્ષભાઈ, તેમની પત્ની-પુત્ર, માતાના આધારા કાર્ડ, 4 ક્રેડિટ કાર્ડ તથા 78 હજાર રોકડા પડેલાં હતા. જેને પગલે તેઓ આસપાસ કલાક સુધી તપાસ કરીને છેલ્લે અડાલજ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓની ફરિયાદ નોંધીને અડાલજ પોલીસે તજવીજ શરૂ કરી હતી.