લાખણીના ધાંણા ગામનો પરિવાર મંદિરમાં સત્સંગમાં ગયો ઘરમાંથી તસ્કરી

થરાદ, લાખણીના ધાંણા ગામનો પરિવાર રાત્રિના અરસામાં ઘરની બાજુમાં મંદિરમાં સત્સંગમાં ગયો હતો અને નિશાચરો ઘરમાંથી કપડાં અને રૂ.4,600 ભરેલી પેટીની તસ્કરી કરી પૈસા લઈ પેટી ડેરી પાસે ફેંકી દિધી હતી. ધાંણા ગામના જેરૂપભાઇ લાલાજી લુહાર પરિવાર સાથે ઘરની બાજુમાં હનમાનજીને મંદિરે સત્સંગનો પ્રસંગ હોઇ રાત્રિના અરસામાં ઘરને તાળું મારી ગયા હતા. તેમના પિતાજીની તબિયત બરાબર ન હોઇ ઘરની આગળના ભાગે રસોડામાં સુતેલા હતા. પરિવાર ગત રાત્રિના અરસામાં પરત આવતાં દરવાજો ખુલ્લો અને સરસામાન વેરવિખેર જોઈ તપાસ કરતાં 1 તોલા ચાંદીની માળા કિંમત રૂ.600 તથા રોકડ રકમ 4000 મુકેલી પતરાંની પેટી તસ્કરી થયાનું માલુમ પડ્યું હતું. દરમિયાન બીજા દિવસે તેમના ઘરેથી ચોરાયેલી પતરાંની પેટી અને કપડાં વેરવિખેર હાલતમાં ગામની ડેરીની બાજુમાં રોડ પરથી મળી આવી હતી. આ બાબતે છેલ્લા ચારેક દિવસથી તેમના ઘરની આજુબાજુ અવાર-નવાર લાખણીના ભાકડીયાલ ગામના સુરેશજી બળવંતજી ઠાકોર આંટાફેરા મારતો હોઇ તેના ઉપર શંકા હોઇ તેની સામે આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.