સ્મશાન પુલિયા પાસે રોજ થતા 5થી 10 કિમી સુધીના ટ્રાફિકજામથી હેરાનગતિ

ગાંધીધામ-સામખીયાળી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના સ્મશાન પુલિયાથી ગળપાદર હાઇવે ચડવા મોટા વાહનોના ચાલકો રોંગ સાઇડથી બ્રીજ ઉતરતા હોવાને કારણે તેમજ ગળપાદર જવાના કટ નજીક આવેલા ફાટક બંધ થવાને કારણે આ જગ્યાએ 5 થી 10 કીમી ટ્રાફિકજામ થવાની ઘટના રોજિંદી બની રહી છે. શુક્રવારે ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. એક તરફ તંત્ર દ્વારા માર્ગ પર ચાલતા ધીમા સમારકામના કારણે તેમજ રોંગ સાઇડથી બ્રીજ ઉતરતા વાહનોને કારણે ફરી સર્જાયેલા ટ્રાફિકથી 10થી 12 કિલોમીટર સુધી વાહનો અટવાઈ પડ્યા હતા.આ ટ્રાફિકજામને કારણે જ્યારે ગરમી શરૂ થઇ ગઇ છે તેવા માહોલમાં એસટી બસ તેમજ ખાનગી વાહનોમાં જતા પ્રવાસીઓ કલાકો સુધી અકળાયા હતા. ચિરઇ બાજુથી ગાંધીધામ તરફ જતા માર્ગે પડાણા, મીઠી રોહર અને ગળપાદર ગામ સુધી રોજ વાહનોની કતારો જોવા મળી રહી છે. જેને લઈ એસટી બસ સહિતમાં રહેલા મુસાફરો અને વાહનચાલકોનાં સમય-શક્તિનો વ્યય થઈ રહ્યો છે. તો વાહન વ્યવહાર થંભી જતાં સવાર લોકોને ગરમીથી અકળામણ થઈ રહી છે.આ ટ્રાફિકમાં અટવાયેલા લોકોએ જણાવ્યું હતું કે, સ્મશાન પુલની સાચી દિશામાં નીચેથી ગળપાદર રોડ ચડવાને બદલે મોટા વાહનોના ચાલકો થોડું ફરીને જવાનું ટાળતા હોવાને કારણે લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે. તો આ બાબતે જિલ્લા ટ્રાફિક પીએસઆઇ એ.વી.પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ સમસ્યા બાબતે તેમણે જાતે રહીને તપાસ કરી છે જેમાં ગળપાદરના કટ પાસે કંડલા તરફ જતા રોડ પર આવેલો રેલ્વે ફાટક ટ્રેન કે માલગાડી આવવાના સમયે બંધ થાય છે ત્યારે વાહનોના થપ્પા લાગી જતા હોય છે. જેના કારણે ટ્રાફિક જામ રોજની સમસ્યા બની છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ