આડેસર પાસે પીછો કરી પોલીસે ત્રણ અબોલ જીવ બચાવી લીધા

રાપર તાલુકાના આડેસર પાસે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે પુરપાટ જતી પીકઅપ ગાડીને રોકવા ઇશારો કર્યો પણ ઉભી ન રહેતાં પીછો કરી આ ગાડીમાં સંભવત કતલખાને લઇ જવાતા ત્રણ અબોલ જીવને મુક્ત કરી બચાવ્યા હતા, જો કે ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ બાવળની ઝાડીઓમાં અલોપ થઇ ગયો હતો.

આડેસર પોલીસ મથકની ટીમ પરોઢે હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન માખેલ બસ સ્ટેશન પાસે આવતાં સામખિયાળી તરફથી પૂરપાટ આવી રહેલી પીકઅપ ગાડીને ગાડી રોકવા પોલીસે ઇશારો કર્યો તો ઉભી રાખવાને બદલે ચાલકે ભગાવતાં પોલીસે ગાડીનો પીછો કર્યો હતો.

પાછળ પોલીસને જોતાં ગાડી ચાલક આડેસરથી બૈયા વાંઢ જતા રસ્તા પર ગાડી રાખી બાવળની ઝાડીમાં અલોપ થઇ ગયો હતો. પોલીસે ગાડી ચેક કરી તો બે ભેંસ અને એક પાડાને ત્રાસ દાયક રીતે બા઼ધેલા હતા. તેને મુક્ત કરી આડેસર જીવદયા પાંજરાપોળ ખાતે સાર સંભાળ માટે મોકલી દીધા હતા. પોલીસે 2.50 લાખની ગાડી જપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર રાઠોડે નાસી ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઇ બી.જી.રાવલ સાથે સ્ટાફ જોડાયો હતો.