ગાંધીધામમાં 3 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઇ, માદક પદાર્થના વેપલા સામે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની તવાઇ
ગાંધીધામના કાર્ગો આઝાદનગરમાં ઝૂંપડામાં માદક પદાર્થ વેંચાતો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.એ દરોડો પાડી રૂ.31 હજારની કિંમતના ગાંજા સાથે મહિલાની અટક કરી હતી, માંડવી તાલુકાના કોડાય ચાર રસ્તા પાસે બે ઇસમો ગાંજો વેંચતા હોવાથી એસ.ઓ.જી.એ દરોડો પાડી બંનેને દબોચી લીધો હતો. ગત સાંજે એસ.ઓ.જી પીઆઇ સુમિત દેસાઇને મળેલી બાતમીના આધારે ઇન્વેસ્ટિગેશન કીટ તૈયાર કરી કાર્ગો આઝાદનગર ઝૂંપડામાં રહેતા મુળ પાટણના સમી તાલુકાના ધધાણા ગામના શોભાબેન ચમનભાઇ બાબુભાઇ દેવીપૂજકના ઘરે મહિલા પોલીસ કર્મી સાથે રાખી દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રસોડામાં રાખેલો રૂ.31,390 ની કિંમતનો 3.139 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતાં આ માદક પદાર્થ માટે કોઇ પરમીટ આ મહિલા પાસે ન હોતાં એસ.ઓ.જી.એ રૂ.1,000 ની કિંમતનો વજનકાંટો, રૂ.2,000 ની કિંમતનો એક મોબાઇલ તથા 122 પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ મળી કુલ રૂ.34,390 નો મુદ્દામાલ જપ્ત કરી અટક કરી હતી.
પકડાયેલા શોભાબેનની પ્રાથમિક પુછપરછમાં આ ગાંજાનો જથ્થો એકતાનગરમા રહેતો રીક્ષા ચાલક અશોકભાઇ દેવીપૂજક આપી ગયો હોવાનું જણાવતાં એસ.ઓ.જી.એ બન્ને વિરૂધ્ધ નારકોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમો હેઠળ બી-ડિવિઝનમાં ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. પી.એસ.આઇ. સી.ટી.દેસાઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે. તો કોડાય ચાર માર્ગ પાસે એસ.ઓ.જી.ની ટીમે પેટ્રોલિંગ વેળાએ ગાંજાના પોણા કિલો જથ્થો સાથે બંનેને દબોચી લીધા હતા. દિનેશ રામગર ગુંસાઇ (રહે. કોડાય તાં.માંડવી) અને રમેશ માવજીભાઈ જોષી (રહે. તલવાણા) વાળા પાસેથી પોલીસે 754 ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત 7,544 રૂપિયા, બે મોબાઇલ ફોન કિંમત 5,500 અને 250 રોકડ મળી કુલ 13,294નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જથ્થો આપનાર તરીકે મેહુલ મારાજ (રહે. બિદડા)વાળાનું નામ ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો દર્જ કરી મેહુલ મારાજની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. એસ.ઓ.જી.એ માંડવી મરીન પોલીસ મથકે ત્રણેય સામે એનડીપીએસ કલમ હેઠળ ગુનો દર્જ કરાવ્યો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ