ગોધરા-બાયઠ સીમમાં બે સસલાનો શિકાર કરનારા 6 આરોપી ઝડપાયા

માંડવી તાલુકાના ગોધરા-બાયડની સીમમાં શુક્રવારના રાત્રે સસલાનો શિકાર કરીને મિજબાની માણવાની તૈયારી કરી રહેલા 6 આરોપીને વન વિભાગે ઝડપી લીધા હતા. વ્યક્તિદીઠ 2 હજાર લેખે 12 હજાર રૂપિયાનો દંડ વસૂલીને તમાને છોડી મુકાયા હતા.
આરએફઓ એમ. આઇ. પ્રજાપતિને ગોધરા-બાયઠની સીમમાં શિકારી પ્રવૃત્તિ થતી હોવાની બાતમી મળતાં વન વિભાગની ટીમ રાત્રે 12.30ના અરસામાં ત્રાટકી હતી અને બે મૃત સસલા સાથે શઠિયા નાસીર અબ્દુલા, શઠિયા ચાંદગની, કુંભાર શબીર સાલેમામદ, લાખા શરીફ મોહંમદ ઉમર, સૈયદ નાઝીર અહેમદ, સિદ્દી સાહિલ અલીમામદને ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી ત્રણ લાકડી, ત્રણ બાઇક, પાંચ મોબાઇલ, ત્રણ ટોર્ચ સહિતનો મુદ્દામાલ પકડાયો હતો. મૃત સસલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. વન્ય જીવ રક્ષણ અધિનિયમ 1972 શિડ્યૂઅલ 4 હેઠળ સસલા આવતા હોઇ આરોપી દીઠ બે હજારનો દંડ વસૂલી છોડી મુકાયા હતા. જો કે, તમામને તપાસ માટે વન વિભાગ કચેરીએ બોલાવાય ત્યારે હાજર થવું પડશે.
લુડવામાં મોરના મોત માટેના જવાબદારો પકડાયા નથી
તાલુકાના લુડવામાં 20 એપ્રિલે ચણ ચણીને પાણી પીધા બાદ એક સાથે 8 મોરના મોત થયા હતા. રાષ્ટ્રીય પક્ષી શિડ્યૂઅલ 1 હેઠળ આવતા હોવાથી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પણ હજુ સુધી આ બનાવ માટે જવાબદાર એકપણ આરોપી પકડાયો નથી. આ અંગે તપાસ ચાલુ છે તેમ આરએફઓએ જણાવ્યું હતું.