વ્યજખોરો પાસેથી વ્યાજે લીધેલા પૈસા ચુકવ્યા છતાં યુવક સાથે મારઝૂડ કરાઇ…


વ્યાજે લીધેલા રૂ.1 લાખની સામે વ્યાજ, પેનલ્ટી અને મૂડીના રૂ.1.40 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો યુવકની નોકરીની જગ્યાએ પહોંચી પૈસાની ઉઘરાણી માટે મારઝૂડ કરી ફોન ઝૂંટવી લઇ રૂ.50 હજાર આપી ફોન લઈ જજે તેવી ધમકી આપતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ઈસનપુરમાં રહેતો વેદાંત શર્મા (ઉં.25) મકરબા ખાતે ખાનગી કંપનીમાં સેલ્સમેન છે. વેદાંત અગાઉ મેમનગરમાં નોકરી કરતો હતો, ત્યારે રાહુલ સાથે મિત્રતા થતા તેના થકી નિહાલ દેસાઈનો પરિચય થયો હતો. દરમિયાન પૈસાની જરૂર પડતાં વેદાંતે નિહાલ પાસે પૈસાની માગ કરતા તેણે 10 ટકા વ્યાજે પૈસા આપ્યા હતા. શરૂઆતમાં 10 હજાર લીધા બાદ વેદાંતે ફરી રૂ.50 હજાર વ્યાજે લેતા નિહાલે 7 હજાર વ્યાજ કાપી રૂ.43 હજાર આપ્યા હતા. બાદમાં તે પૈસાનું વ્યાજ-પેનલ્ટી-લેટ ફી મળીને રૂ.1.50 લાખ ચૂકવવાના થતા હતા. ત્યાર બાદ પણ તેણે છેલ્લે બાઇક ગીરવે મૂકી નિહાલ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા.
દરમિયાન પૈસાની સગવડ ન થતા નિહાલે ફોન કરી ધમકી આપી હતી. દરમિયાન નિહાલ વેદાંતની નોકરીની જગ્યાએ આવ્યો હતો અને ફોન ઝૂંટવી લઈ રૂ.50 હજાર આપી ફોન લઈ જજે તેવી ધમકી આપતા વેદાંતે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી.