ફ્રેંચ કંપનીની સાઇકલો ચોરી કરી વેચવા જતાં 2 સગા ભાઈઓ ઝડપાયા

ફ્રેંચ કંપનીની સાઇકલો ચોરીને બારોબાર અન્યને વેચવા માટે ફરતા 2 આરોપીઓની સિટી પોલીસે ધરપકડ કરી. સાઇકલ ચોરીમાં માસ્ટરી હાંસલ કરી લેનારા સગા ભાઈઓ છેલ્લા 1 વર્ષથી સાઇકલ ચોરતા હતા. સાઇકલ ચોરી તેને શુક્રવારી બજારમાં વેચવા આવતાં જ બંને ભાઈઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 62 હજારની 11 સાઇકલો ઝડપી હતી.

સિટી પોલીસ મથકના પીઆઈ કે.એન.લાઠિયાએ જણાવ્યું કે, સાઇકલો ચોરાતી હોવાની ફરિયાદો મળી હતી. તે દરમિયાન તપાસ કરતાં બાતમી મળી હતી કે, ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ પાસે શુક્રવારી બજારમાં બે વ્યક્તિઓ ચોરીની સાઇકલો વેચવા આવ્યા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કવિરાજસિંગ ઉર્ફે કરણ અમ્રીકસિંગ પંજાબી અને અર્જુનસિંગ અમ્રીકસિંગ પંજાબી (બંને રહે. મહાકાળી નગર, વિશ્વામિત્રી બ્રિજ પાસે)ની ધરપકડ કરી હતી. પોલીસે બન્ને ભાઇઓ પાસેથી રૂા.62 હજારની કુલ 11 સાઇકલો કબ્જે કરી હતી. ખાનગી કંપની પાસેથી સાઇકલોના ખરીદદારોની વિગતો જાણીને તેમને સાઇકલ પરત આપવામાં આવશે.