વિદ્યાર્થીએ આર્થિક સંકડામણથી ઉશ્કેરાઈને માતા અને બહેનને છરીના ઘા માર્યા


ઘરમાં આર્થિક સંકડામણના કારણે યુવકે પોતાની માતા અને બહેન પર છરી વડે હુમલો કરી સાત જેટલા ઘા મારી દીધા હતા. વરણામા પોલીસ મથકમાં માતાએ હુમલાખોર દીકરા સામે ફરિયાદ નોંધાવી.
શહેરના ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષિય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં 24 વર્ષિય દીકરો અને તેનાથી નાની 21 વર્ષિય દીકરી છે. મહિલાનો દીકરો ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે.
માતાની ફરિયાદ અનુસાર દીકરો ગુસ્સામાં હોય તેવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ઝડપથી ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી.
તે દરમિયાન ભાઈ પોતાની બહેન ઉપર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સૂવડાવીને શાક સમારવાના ચપ્પા વડે તેના પેટ અને પગમાં 5 થી 7 ઘા મારી દેતાં તે ચીસો પાડવા લાગી હતી. તે દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેમના જમણા હાથની કોણી પર ચપ્પાના ઘા મારી ઇજા પહોંચાડી હતી.
દીકરી અને માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. તેઓએ દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યાં હતાં. માતાની ફરિયાદના આધારે વરણામા પોલીસે હુમલાખોર દીકરા બેન એલેક્સ મલઇક સામે આઈપીસી 323 અને 326 મુજબ ગુનો દાખલ કર્યો.
આરોપી બેન એલેક્સ મલઈક અંતર્મુખી સ્વભાવનો છે. આર્થિક સંકડામણ થતાં બેન ગુસ્સામાં આવી ગયો હતો અને તેની બહેન તેમજ માતા પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. તેણે ઘરમાં કાચ તોડી નાખ્યા હતા. કાચ વાગતાં બેનને ઈજા પહોંચતા તે સારવાર હેઠળ છે. ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ અટકાયત કરીને કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.