ઊંઝા હાઇવે ઉપર અકસ્માત.. બાઇક સવારનું મોત
ઊંઝા હાઇવે પર નવા બનતા પુલ ઉપર ટ્રેલરની ટક્કર વાગતાં બાઇક પર સવાર એક યુવાનનું મોત થયું. જ્યારે બીજા યુવાનને ગંભીર ઇજા થઇ હતી. આ મામલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી. ઊંઝા તાલુકાના ઉનાવા ગામના જીતુજી હુશાજી ઠાકોરનો 17 વર્ષીય દીકરો યુવરાજસિંહ અને તેમનો ભત્રીજો પરેશ સહદેવજી ઠાકોર બાઈક જી.જે.02 ડીએન 9037 લઇ બ્રાહ્મણવાડા જવા ઊંઝા હાઇવે પરનો પુલ ચડતા હતા. ત્યારે પાછળથી ટ્રેલર જી.જે.05 બીઝેડ 9700ની ટક્કર વાગતાં બંને નીચે પટકાયા હતા.
અકસ્માતની જાણ થતાં જીતુજી સ્થળ પર દોડી જઇ બંનેને ઇકો ગાડીમાં બેસાડી મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. યુવરાજને મગજના અંદરના ભાગે ગંભીર ઇજા હોઇ હોસ્પિટલ આવેલા પોલીસને તે વખતે ચિંતામાં પિતા જીતુજી ઠાકોરે ફરિયાદ આપવી નથી તેવું જણાવેલું. બાદમાં યુવરાજને અમદાવાદ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. જે અંગે મૃતક યુવરાજના પિતા જીતુજી ઠાકોરે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ટ્રેલરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.