અડાજણમાં પાણીની ભૂગર્ભ ટાંકીમાં પડતાં બાળકનું મોત

content_image_cae1317c-773b-4c2f-be34-1904d90a6838

અડાજણ છપ્પનીયા મહોલ્લામાં રમતા રમતા મકાનની ખુલ્લી ભુગર્ભ પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત થયું. અડાજણ પાદરીયા ગાર્ડન ગલીમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ અને તેમની પત્ની ભાવનાબેન અડાજણ છપ્પનીયા મહોલ્લામાં અલગ અલગ મકાનોમાં સફાઈ કામ કરતા હતા.

રાકેશભાઈ વતન ગયા હોવાથી તેમની પત્ની ભાવનાબેન તેમના દોઢ વર્ષીય પુત્ર રિયાન્ચને સાથે લઈ સફાઈ કામ કરવા માટે ગયા હતા. તેઓ છપ્પનીયા મહોલ્લામાં રહેતા કૌશલભાઈ પટેલના ઘરે સફાઈ કામ કરતા હતા. ત્યારે તેમનો પુત્ર રિયાન્ચ અન્ય બાળકો સાથે રમતો હતો. તે દરમિયાન રમતા રમતા રિયાન્ચ ઘરમાં પાર્કિંગમાં ખુલ્લી પાણીની ટાંકીમાં પડી ગયો હતો.

થોડો સમય બાદ રિયાન્ચ ન મળતા માતા ભાવનાબેને શોધખોળ કરી હતી. બાદમાં પાણીની ટાંકીમાં તપાસ કરતા રિયાન્ચ તેમાંથી મળી આવ્યો હતો અને ત્યાર બાદ તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં તબીબે તેને મૃત જાહેર કર્યો. પાણીમાં ડુબવાથી રિયાન્ચનું મોત થયું. અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને તપાસ કરી.