ધોળા દિવસે કારના કાચ તોડી રૂ.1.70 લાખની કરાઇ ચોરી

ગાંધીધામના તનિષ્ક જ્વેલર્સ સામે પાર્ક કરેલી વોલ્વો કારના કાચ તોડી તસ્કરોએ લોખંડના વેપારીની કારમાં રાખેલી રૂ.1.70 લાખની માલમત્તા ભરેલી બેગની ચોરી થવાનો બનાવ બનતા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વરસામેડી રાજવી રેસિડેન્સીમાં રહેતા અને અંજાર ખાતે કીમો સ્ટીલ નામની ફેક્ટ્રી ચલાવી લોખંડનો વેપાર કરતા અમિતભાઇ ચક્રવર્તી શર્મા સવારે ચંદ્રશેખર ચોધરી તથા નિતિન શર્મા સાથે જીએસટી ભવન પાસે મિટિંગ પૂર્ણ કરી બપોરે દોઢેક વાગ્યે તનિષ્ક જ્વેલર્સ ઉપર આવેલા શિવ શિપિંગમાં બીજી મીટિંગ માટે પહોંચ્યા.

તેમણે પોતાની વોલ્વો કાર તનિષ્ક જ્વેલર્સ સામે પાર્કિંગમાં પાર્ક કરી લોક કરી ત્યારબાદ મિટિંગ માટે ગયા હતા. મિટિંગ પૂરી થયા પછી તેઓ કાર પાસે આવ્યા તો કારનો સાઇડનો કાચ તૂટેલો હતો અને અંદર રાખેલી બે બેગ જેમાં એક બેગમાં રૂ.50,000 ની કિંમતના બે લેપટોપ બીજી બેગમાં રૂ.1,10,000 રોકડા અને રૂ.10,000 ની કિંમતનો એક મોબાઇલ હતો.

આ બંને બેગ ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે કોઇ અજાણ્યા સખ્શે તેમની કારનો કાચ તોડી અંદર રાખેલી રૂ.1,70,000 ની માલમત્તા ભરેલી બે બેગ ચોરી કરી  ઉપરાંત રૂ.5,000 નું કારમાં નુકશાન પણ પહોંચાડ્યું હોવાની ફરિયાદ દર્જ કરી હતી. પીએસઆઇ એન.પી.ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે.