સુરતમાં સિટી બસની અડફેટે કચડતાં એક યુવકનું મોત, પરિવારમાં  છવાયો શોકનો માહોલ

10

સુરત શહેરની સિટી બસ જાણે કાળમુખી બની હોય એમ એક પછી એક અકસ્માત બની રહ્યા છે. ત્યારે સુરતના રિંગ રોડ માર્કેટ રસ્તા પર બસે અડફેટે લઈને કચડતાં યુવકનું મોત થયું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

સુરત રિંગ રોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે એક બ્લૂ સિટી બસે રાહદારીને કચડી નાખતાં ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું. બનાવની જાણ બાદ લોકોનાં ટોળાં ભેગાં થઈ જતાં બસચાલક નાસી છૂટ્યો હતો. લોકોએ કહ્યું હતું કે રોડ ક્રોસ કરતી વખતે બસે અડફેટે લઈ કચડી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળેલા સ્વજન બસમાં કચડાય ગયાના  સમાચાર સાંભળી પરિવાર શોકમાં શોક છવાઈ ગયો હતો. ઘટનાની જાણ બાદ બસ પોલીસ દોડી આવી હતી.


પરિવારે જણાવ્યું હતું કે કિશન પટેલ રિંગ રોડ કિન્નરી સિનેમા સામે હીરામણિની ચાલમાં રહે છે. 10 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. કિશન પટેલ (ઉં.વ. 25)ની પત્નીને 9 માસનો ગર્ભ છે. નોકરી પર જવા નીકળ્યો હતો. ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થતો હતો.