દબાણ હટાવવા પહોંચેલી પાલિકાની ટીમને કરવો પડ્યો સંઘર્ષનો સામનો
ગાંધીધામના સેક્ટર 8 વિસ્તારમાં કાચા પાકા 32 જેટલા બાંધકામને તોડવા મહિનાઓથી પ્રયાસ કરતી નગરપાલિકાને વધુ એક વાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો, પોલીસ પ્રોટેક્શનની માંગ કર્યા હોવા છતાં પણ ન અપાતા પોતાની રીતે કરાયેલા પ્રયત્ન દરમ્યાન ટીમને સ્થાનિકો સાથે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના સેક્ટર 8 વિસ્તારમાં મીરાજ સીનેમા પાછળ, બ્રહ્મસમાજ સ્કુલની સામેની ભાગે આવેલા પ્લોટોની બહાર પાણી, ગટર લાઈન તેમજ જાહેર રોડ રસ્તા તેમજ પ્લોટોની અંદર જવા માટેના જાહેર માર્ગ પર રોડવીર્થ પર કાચા પાકા ઝુપડાઓ બનાવી ગેરકાયદેસર થયેલા દબાણો પર કાર્યવાહી ન થતી હોવાથી સીએમઓ સુધી ફરિયાદોનો મારો થયો હતો.
વારંવાર નોટિસો આપ્યા અને દબાણોને ખાલી કરી દેવાની સુચના આપ્યા બાદ પણ તેવું ન થતા પોલીસ પ્રોટેક્શનની માંગ સાથે દબાણ હટાવવાનું નક્કી કરાયું હતું, પરંતુ અગાઉ પણ પોલીસે પ્રોટેક્શન ન આપતા આ કાર્ય થઈ શકયું નહતું, તો બીજી વાર પણ સપ્તાહ અગાઉ પોલીસને જાણ કર્યા છતાં પોલીસ પ્રોટેક્શન ન અપાતા દબાણ હટાવ કામગીરી થઈ શકી નહી.
દબાણ હટાવવા પહોંચેલી પાલિકાએ ત્રણ દબાણ હટાવતા લોકોમાંથી વિરોધનો સુર ગુંજવા લાગ્યો હતો. વરસાદની ઋતુંમાં ઘર વિનાના લોકો ક્યાં આશ્રય પામશે તે એક પક્ષ રખાઈ રહ્યો છે, તો બીજા પક્ષે રાજનૈતીક પરિબળો પણ આ પાછળ સક્રિય હોવાની ચર્ચા ઉઠવા પામી છે.