ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેકની પરીક્ષા આપવા RTOમાં લાગી લાઇન, એક વાહનચાલકને ‘સેટિંગ’થી પાસ કરવા મુદે થયો વિવાદ

ભુજ આરટીઓમાં આવેલા ટેસ્ટટ્રેકમાં એક અરજદારને ખોટી રીતે પાસ કરવામાં આવ્યો, આ મુદાને લઈને એજન્ટ દ્વારા ડખો કરવામાં આવ્યો .જેથી સોમવારે ઉઘડતા દિવસે અધિકારી દ્વારા ટેસ્ટટ્રેકની કામગીરીમાં ફેરફાર કરવામાં આવ્યા.

અગાઉ સિક્યુરિટી અને માણસો દ્વારા કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી સહિતની કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપને પગલે સોમવારથી કામગીરીમાં બદલાવ કરવામાં આવ્યો હતો. જેમા કોમ્પ્યુટરને લગતી કામગીરી ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતા ડેટા એન્ટ્રીની કામગીરીમાં મોડુ થવાથી ડ્રાઇવિંગની પરીક્ષા આપવા અર્થે આવેલા લોકો અકળાઈ ગયા હતા અને વાહનોની લાઈનો લાગી હતી.

સામાન્ય દિવસોમાં ઝડપથી કામગીરી પૂર્ણ થઈ જતી હોય છે પણ સોમવારે ઇન્સ્પેક્ટરને બધી જ  કામગીરી કરવાની હોવાથી વાર લાગી હતી.બપોરે 12 વાગ્યા સુધી એન્ટ્રીને લગતી કામગીરી ચાલુ હોવાથી વાહનોની કતાર જોવા મળી હતી. ખાસ કરીને અંજાર આરટીઓમાં પણ ટેસ્ટટ્રેક બંધ છે.

જેથી આખાય કચ્છ જિલ્લામાંથી લોકો પરીક્ષા આપવા માટે

 આવ્યા હતા તેમા પણ કડક વલણના કારણે ઇન્સ્પેક્ટરની કામગીરીમાં વધારો થઈ જવાથી કામગીરી ગોકળગતિએ ચાલી હતી.જેથી ટેસ્ટટ્રેકની બહાર વાહનોની લાઈનો લાગેલી જોવા મળી હતી.સાંજે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન દ્વિચક્રી વાહનોના ટેસ્ટટ્રેકની કામગીરી પૂર્ણ થઈ હતી ત્યારબાદ 35 જેટલા ફોર વહીલર વાહનો કતારમાં હતા.જેથી મોડે સુધી કામગીરી ચાલી હતી.


ટેસ્ટની ડેટા એન્ટ્રી સહિતની કામગીરી જે કોમ્પ્યુટરરૂમમાં થાય છે ત્યાં અગાઉ મુખ્ય અધિકારી દ્વારા કેમેરા લગાવવામાં આવ્યા હતા જોકે લાગવગના જોરથી અહીંથી કેમેંરા નીકળી ગયા છે.અગાઉ અહીં લગાવેલ કેમેરાનું સીધુ મોનીટરીંગ મુખ્ય અધિકારીની ચેમ્બરમાં થતું હતું.ફરી અહીં કેમેરા લગાવવામાં કરવામાં આવે તો તટસ્થ કામગીરી થાય તેવું વર્તુળો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યુ. બપોરે 12 કલાકે ટેસ્ટ ટ્રેકમાં કેમરો બંધ થઇ ગયો હતો ઉપરાંત ચાવી સમયસર ન મળતા કલાક સુધી કામગીરી અટકાઈ  હતી.


આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેકની કામગીરી મુદ્દે અગાઉ ચર્ચામાં આવેલા ઇન્સ્પેક્ટરને ફરી ડ્યુટી આપવામાં આવી છે ત્યારે આ સમયગાળામાં જ ડખો થતા સોમવારથી કામગીરીમાં બદલાવ લાવવામાં આવ્યો હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.